માલવિયાનગર પોલીસે CCTV ફૂટેજ આધારે બાળકીની શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ખોડીયારનગર વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય દંપતીની 10 વર્ષની બાળકી ઘર પાસે રમવા ગયા બાદ લાપતા થઈ જતા બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ કોઈ પતો ન લાગતા અંતે પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી છે.
મૂળ યુપીના અને હાલ રાજકોટના ખોડીયારનગરમાં રહી કારખાનામાં મજૂરીકામ કરતાં યુવાને તેની 10 વર્ષની દીકરીના અપહરણ અંગે માલવિયાનગર પોલીસમાં અજાણ્યા શખસ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે ગઈકાલે સવારે કામે ગયો હતો ત્યારે પત્નીનો ફોન આવ્યો હતો અને તેણીએ વાત કરી હતી કે સવારના દસેક વાગ્યા આસપાસ આપણી મોટી દીકરી ઘર પાસે રમવા ગઈ હતી જે હજુ સુધી પરત આવી નથી. જેથી પોતે ઘરે પહોંચ્યો હતો અને પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો ત્યારબાદ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પરપ્રાંતિય યુવાનની ફરિયાદ પરથી અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતા પારખી માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે બાળકીને શોધવા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘર પાસે રમતી 10 વર્ષની બાળકી લાપતા, અપહરણની ફરિયાદ નોંધાવાઇ
