ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીના પવિત્ર અવસરે માંગરોળ વિધાનસભા વિસ્તારમાં ’યુનિટી માર્ચ’ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા માળીયા હાટીનાના અમરાપુરથી લાડુડી સુધી કુલ 10 કિલોમીટરની યોજાઈ હતી. સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની પ્રેરક ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા.
અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલના દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું અને ’રાષ્ટ્રીય એકતા’ તેમજ ’આત્મનિર્ભર ભારત’ના સૂત્રોચ્ચાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમરાપુરથી લાડુડી સુધીની આ પદયાત્રાનું ઠેર ઠેર ગ્રામજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કાત્રાસા સહિતના ગામોના લોકોએ ખાસ સ્વાગત કર્યું હતું. આ યુનિટી માર્ચ પદયાત્રામાં પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.



