પ્રિય જિંદગી…
તું મારી આંગળીના ટેરવાંનું સુંવાળું સ્પર્શશિખર છે. તારો સ્પર્શ કરતા જ મારી આંગળીઓ ગભરુ પતંગિયું બની તારી આજુબાજુ – આસપાસ અને ઉપર – નીચે ઊડવા લાગે છે. ભલે પતંગિયું પોતાની લાગણી વ્યક્ત કરવા વાણીનો ઉપયોગ ના કરતું હોય પણ રંગબેરંગી પાંખોના ફફડાટ અને રંગના પ્રેમધોધથી જે નથી કહેવાતું એ પણ રજુ કરી દે છે. તું મારી પાછલી રાતના બધા જ સપનાઓનો લખલૂંટ ભંડાર છે. મારી આંખો ફકત તારા જ રૂપને નિહાળે છે, મારા કાન ફકત તારો જ મધુર અવાજ સાંભળે છે, મારા દિલમાં ફકત તારું જ સામ્રાજ્ય છે. તું મારા નાનકડા હૃદયમાં બહુ જ સિફતથી ઓળઘોળ થઈને ભળી ગઈ છે. હું રાત દિવસ તારી ઝંખના કરું છું, સતત તને વિચારું છું. તું મારી આંખોમાં વસીને સીધી અંતરમાં ઉતરી ગયેલી દૃશ્યમાન અને અદૃશ્યમાન કિનખાબ છે જે મને વારેવારે અનુભવવી ગમે છે.
જયારે જયારે તને જોઉં છું ત્યારે મારી આંખોના ઉપવાસ પારણા કરી લે છે. તું મારું એ પવિત્ર તીર્થધામ છે જ્યાં શ્રદ્ધાળુ જીવનનો થાક ઉતારી શ્રદ્ધાનું તર્પણ કરે છે. તું મારી આસ્થા અને પ્રેમનું કેન્દ્ર છે. તારા હ્રદયની બરાબર વચ્ચે રહેલું પ્રેમનું બિંદુ મારી બધી ગતિવિધિઓનું ચાલકબળ છે. હું ખૂબ ઉત્સાહી બની તને ભેટી પડું છું. તારી હાજરીથી જ મારામાં નવો દોરીસંચાર થવા લાગે છે. તને જોતા જ મારો અધ્ધર ચડી ગયેલો જીવ ફરીથી શાંતિ પામી અને તનેએકધારું નીરખી રહે છે. હું સતત જિંદગીમય બની તારામાં પરોવાઈ, ગૂંથાઈ જગતને જોઉં છું કારણ કે તારી નજરે જોયેલું જગત જ ઉત્તમ છે એ હું તારા સહવાસથી સમજી ગયો છું. પ્રેમ એ તો સુંવાળા – રેશમી તાંતણાનું નામ છે, ખૂબ સલુકાઈથી મારે આ રેશમી તાંતણાને તારા હૃદય પર યુગો સુઘી સ્થાપિત કરી રાખી જીવંત રહેવું છે.
જિંદગી! હું તને ખૂબ જ પ્રેમ કરું છું કારણ કે હું તારા પર આંખો બંધ કરીને ભરોસો કરી શકું છું. હું તારા પર શ્રદ્ધાનો કળશ ઢોળીને સમર્પણના દરિયામાં લહેરથી ડૂબકી લગાવી શકું છું. હું દરેક જગ્યાએ અને પ્રત્યેક ક્ષણે તારા પ્રેમને મહેસૂસ કરી શકું છું. તું મારું અમૂલ્ય નાણું છે. તું જયારે જયારે સાથે હોય છે ત્યારે જિંદગીનામનું અઘરું ઉખાણું મારા માટે સાવ સહેલું બની જાય છે. મારે તને યુગો સુધી પ્રેમ કરવો છે… સદીઓ સુધી ભોગવવી છે અને સૈકાઓ સુધી તારી સુંવાળી શૈયામાં પોઢવું છે કારણ કે મેં મારા બધાં જ સપના તારા હવાલે કરી દીધાં છે.
તને ભરપૂર ચાહતો જીવ…
(શીર્ષકપંકિત:- હિરેન ગઢવી)
એ આંખને મઢાવી છે મેં મારી આંખમાં, એ સ્મિતને સજાવ્યું છે મેં મારા હોઠ પર



