ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલેને એમના રાજકીય ગુરુ માનતા હતા. ગોખલેજીના વિચારોની ગાંધીજીના મન પર પડી અસર હતી. ગોપાલકૃષ્ણ ગોખલેના લેખો ગાંધીજીને ખૂબ ગમતા હતા. ગુજરાતની પ્રજા ગોખલેજીના વિચારો વાંચી શકે એ માટે એમણે લખેલા તમામ લેખોનું ગુજરાતીમાં ભાષાંતર કરીને એક પુસ્તક પ્રકાશિત કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું હતું.
શૈલેષ સગપરિયા
- Advertisement -
ગોખલેજી દ્વારા લખાયેલા લેખોનું ગુજરાતી અનુવાદ કરવાનું કામ ગાંધીજીએ નરહરિ પરીખ અને મહાદેવભાઈ દેસાઇને સોંપ્યુ. તે સમયના ગુજરાતના એક જાણીતા સાક્ષરે ગાંધીજી સમક્ષ એવી ઇચ્છા વ્યકત કરી કે ગોખલેજીએ શિક્ષણ પર લખેલા લેખોનો અનુવાદ કરવાની સેવા આપ મને આપો. હું શિક્ષણ સાથે સંકળાયેલો છું, એટલે એટલે આ કામ વધુ સારી રીતે કરી શકીશ. ગાંધીજીએ એમની ઇચ્છા મુજબ કેળવણી પરના ગોખલેજીએ લખેલા લેખોના ભાષાંતરનું કામ એ સાક્ષરને સોંપ્યું.
નરહરિભાઈ, મહાદેવભાઈ અને એ સાક્ષર ત્રણેએ એમને સોંપાયેલા લેખોના ભાષાંતરનું કામ પૂર્ણ કર્યું. પેલા સાક્ષરે કરેલું ભાષાંતર નરહરિભાઈને ગમ્યું નહીં પણ બાપુએ કામ સોંપેલું એટલે કશું બોલ્યા નહીં. ગાંધીજી કામમાં વ્યસ્ત હતા એટલે ભાષાંતર જોઇ શક્યા નહોતા. પુસ્તક છપાઇ ગયું. હવે પ્રસ્તાવના લખવાની અને છાપવાની બાકી હતી. પ્રસ્તાવના લખવા માટે એ પુસ્તકના છાપેલા પાનાં ગાંધીજીને આપ્યા. ગાંધીજીને પેલા સાક્ષરે કરેલો અનુવાદ ન ગમ્યો. ગાંધીજીએ કહ્યું, “આવો અનુવાદ ન ચાલે, આ બદલવો પડશે અને તમારામાંથી કોઈએ અનુવાદ કરવો પડશે.” મહાદેવભાઈ અને નરહરિભાઈએ કહ્યું, “બાપુ, હવે તો પુસ્તક પણ છપાઈ ગયું છે. છપામણીનો ખર્ચ 700 રૂપિયા થયો છે હવે જો અનુવાદ બદલીએ તો આ 700 રૂપિયાનો ખર્ચ એળે જાય.”
ગાંધીજીએ કહ્યું, “મારો સ્વભાવ એવો છે કે હું એક પાઇનું પણ નુકસાન ન થવા દઉ પરંતુ આ પુસ્તક માટે 700ના બદલે 7000નું નુકસાન થતું હોય તો મને તે પણ મંજૂર છે. આપણે લોકોને જે આપવું છે એ શ્રેષ્ઠ આપવું છે.”
જે કોઈ કામ હાથ પર લઇએ એ શ્રેષ્ઠ રીતે બજાવીએ તો બીજા કરતા આપણું કામ અલગ પડશે. ‘ચાલશે’ની મનોવૃત્તિ કેટલાય લોકોની અપેક્ષાઓ અને લાગણીઓને બહુ ભારે નુકસાન પહોંચાડે છે જે સરવાળે કોઈને કોઈ સ્વરૂપે આપણે જ ભોગવવું પડે છે.
- Advertisement -
ગાંધીજીએ કહ્યું, “મારો સ્વભાવ એવો છે કે હું એક પાઇનું પણ નુકસાન ન થવા દઉ પરંતુ આ પુસ્તક માટે 700ના બદલે 7000નું નુકસાન થતું હોય તો મને તે પણ મંજૂર છે, આપણે લોકોને જે આપવું છે એ શ્રેષ્ઠ આપવું છે.”