ખાસ-ખબર સંવાદદાતા
“જયા ટુકડો ત્યા હરી ઢુકડો ” ને જીવન મંત્ર બનાવનાર જેનું આજે 204 વર્ષે પણ અવિરત સદાવ્રત ચાલુ જ છે તે સૌરાષ્ટ્રના સમરથ સંત પૂજ્ય જલારામબાપાની આગામી રવિવારને કારતક સુદ સાતમના રોજ આવતી 224મી જન્મ જયંતિને ઉજવવા માટે અત્યારથી જ વીરપુરમાં ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય બાપાની 224મી જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. રવિવારે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને અત્યારથી જ સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપવામાં આવ્યો છે. બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે 300થી વધુ સ્વયંમ સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે.
- Advertisement -
સુરતથી 505 કિ.મી. પગપાળા ચાલીને સંઘ વીરપુર પહોંચ્યો
સુરતના મગદલ્લા ગામનું ગ્રુપ સતત 48 વર્ષથી પદયાત્રા કરે છે
ખાસ-ખબર સંવાદદાતા
આગામી તારીખ 19 ની નવેમ્બરને રવિવારે 224 મી જલારામ જયંતિને લઈને સૌરાષ્ટ્ર પરના જલારામ મંદિરોમાં તાડમાર તૈયારીઓ શરૂ થઈ છે. જલારામ જયંતીમાં બાપાના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી પદયાત્રીના સંઘો વીરપુર પહોંચી રહ્યા છે. સુરતથી પદયાત્રીનો સંઘ આજે વીરપુર પહોંચ્યો છે.
સુરત જિલ્લાનું ચોર્યાસી તાલુકોના મગદલ્લા ગામથી પદયાત્રીઓ આજે વીરપુર આવી પહોંચ્યો છે. આ પદયાત્રીઓનું ગ્રુપ.તા. 7 નવેમ્બરે મગદલ્લાથી નીકળ્યું હતું. 70 પદયાત્રીઓ 10 દિવસમાં 505 કિલોમીટર પગપાળા ચાલીને તા.17 નવેમ્બરના રોજ વીરપુર પહોંચ્યા છે. પદયાત્રીઓ સાથે 30 જેટલા સ્વયંસેવકો પણ જોડાય છે. પદયાત્રીઓનું આ ગ્રુપ રસ્તામાં ભોજન, પાણી અને મેડિકલ સહિતની તમામ વસ્તુ સાથે રાખે છે. આ પદયાત્રાનું સંચાલન તેજલભાઈ ચીમનભાઈ પટેલ, સૌરિંગભાઈ જેન્તી પટેલ અને હેમતભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે.