68 લાખના વિકાસ કામો પર મંજૂરીની મ્હોર મારતા ચેરમેન જયમીન ઠાકર
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની મિટિંગની આજે ધનતેરસના દિવસે ચેરમેન જયમીન ઠાકરે બોલાવેલી બેઠક યોજાઇ ગઇ. વર્ષોની પ્રણાલી મુજબ ધનતેસરના દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આજે સવારે 11 વાગ્યે મળેલી બેઠકના એજન્ડા પર મનપામાં ભાડે રખાતા વાહનોનો નવો કોન્ટ્રાકટ સહિત 20 દરખાસ્તો સામેલ હતી.
રાબેતા મુજબની દરખાસ્તો ઉપરાંત કર્મચારીઓને મેડીકલ સહાયની ઘણી દરખાસ્ત આવી હતી. બેઠકમાં આ તમામ 20 દરખાસ્તો મંજુર કરી 68 લાખના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, 20 દરખાસ્તોમાંથી 10 કર્મચારીઓના આરોગ્યલક્ષી દરખાસ્તો હતી.
મહાપાલિકા દ્વારા જુદી જુદી શાખાના ઉપયોગ માટે વાહનો ભાડે રાખવામાં આવે છે. આજની બેઠકમાં બે વર્ષનો રેટ કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત આવી હતી. હાલ મહાપાલિકાની માલિકીના 945 વાહન છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસ સહિતના ઉપયોગ માટે 45 વાહન ભાડેથી રાખવામાં આવે છે. ગત વર્ષે આ વાહન ભાડાનો 2.18 કરોડનો ખર્ચ થયો હતો. આ વર્ષે રામકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને કામ આપવા દરખાસ્ત આવી હતી. આ 45 વાહનો ભાડે રાખવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે વાહન ભાડે રાખવા વાર્ષિક 2 કરોડનો ખર્ચ થશે.
આજે રાત્રે ધનતેરસ પર્વને લઈને માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 1 કલાક આતશબાજીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ રાજકોટવાસીઓને આતશબાઝી જોવા ઉમટી પડવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે આહ્વાન કર્યું હતું.