‘વન-બુથ-ટેન-બુથ’ સૂત્ર સાથે સંગઠનને મજબૂત બનાવાશે, યુવાનો માટે અભ્યાસ વર્ગ યોજાશે
રાષ્ટ્રીય કારોબારી 4 નવે. પૂર્ણ, 18થી 25 દરમિયાન રાજકોટ મહાનગરની કારીબારી યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રદેશ ભાજપની યોજના અનુસાર ગુજરાતભરમાં સંગઠન સંરચના તેમજ બુથ સશક્તિકરણના માધ્યમથી પાર્ટીનું સંગઠન વધુ સુદ્રઢ બને અને ભારતીય જનતા પાર્ટી આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ તેમજ જે.પી.નડ્ડાના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાતમાં વિધાનસભા, જીલ્લા પંચાયત, મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ફરીવાર ગુજરાતની 26 બેઠકોમાં ભાજપનો ભવ્ય વિજય થાય અને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક નવો ઇતિહાસ આલેખાય તેને ધ્યાનમાં રાખી સંગઠનની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ તેમજ રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રભારી નિલેશભાઇ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપની નવી ટીમની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી છે. જેમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા મહામંત્રી તરીકે મીલન લીંબાશીયા તેમજ સહદેવ ડોડીયાની વરણી કરવામાં આવી છે. આ સાથે શહેર ભાજપ યુવા મોરચામાં 4 ઉપપ્રમુખ, 5 મંત્રી, 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રીની પણ વરણી કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે જયકિશનસિંહ ઝાલા, રવિ ચાંગેલા, દેવ ગજેરા, કિશન પટેલ તેમજ મંત્રી તરીકે જય બોરીચા, દર્શન પંડ્યા, હાર્દિક કુંગશીયા, સુનીલ ગોહેલ, કુલદીપસિંહ જાડેજા, કોષાધ્યક્ષ તરીકે ધ્રુવ કાકડીયા કાર્યાલય મંત્રી કાનાભાઇ સરસીયા સહિતનાની વરણી કરવામાં આવી છે. નોંધનીય છે કે 4 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કારોબારી પૂર્ણ થઇ ગઇ છે અને હવે 18 થી 25 નવેમ્બર દરમિયાન રાજકોટ મહાનગરની કારોબારી યોજાશે.
આ તકે કીશન ટીલવા, મીલન લિંબાશીયા, સહદેવ ડોડીયાએ જણાવ્યું હતું કે, 1980માં અટલ બિહારી બાજપાઇના નેતૃત્વમાં સ્થપાયેલા ભારતીય જનતા પાર્ટી પંચનિષ્ઠાને વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, વ્યક્તિ સે બડા દલ અને દલ સે બડા દેશ અનુસાર ભારતીય જનતા પાર્ટી હંમેશા છેવાડાના માનવીને સુવિધા પ્રાપ્ત થાય આ સાથે વિશ્વમાં દેશનું ગૌરવ વધે, દેશનું સ્વાભિમાન વધે અને દેશનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્ય કરી રહ્યો છે. ત્યારે પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી કાર્યકર્તા એક નેતૃત્વના ગુણ પ્રાપ્ત કરતો હોય છે. ત્યારે યુવા વયેથી પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળવાનું અમારી ટીમને એક અનેરૂ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેનું અમને ગૌરવ છે.
આ તકે વધુ માહિતી આપતા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખે કિશન ટીલવા મહામંત્રી, મીલન લીંબાશીયા તેમજ સહદેવ ડોડીયાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી આરૂઢ થાય અને દેશની આ જીતમાં ગુજરાતમાં ફરી વખત ભાજપની જીતની હેટ્રીક સર્જાય તે માટે યુવાનો વન-બુથ-ટેન બુથની યોજના બનાવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે.
તેમજ હાલ પ્રદેશ ભાજપની યોજના અનુસાર પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંત કોરાટની આગેવાની હેઠળ યુવા ભાજપ દ્વારા બુથ સશક્તિકરણ અભિયાનમાં યુવાનોને બુથ સુધીની કામગીરીમાં જોડી શહેરના પ્રત્યેક બુથમાં ભાજપને લીડ મળે તે માટેની યોજના બનાવવામાં આવશે. તેમજ પાર્ટીમાં નવા યુવા મતદારોને જોડી પાર્ટીની વિચારધારા સાથે જોડાઇ તે માટે આગામી દિવસોમાં યુવાનો માટે અભ્યાસવર્ગના આયોજન કરવામાં આવશે. જેમાં ખાસ કરી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનો યુવાઓને વધુને વધુ લાભ મળે અને આજનો યુવાન આત્મનિર્ભર બને તે માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આમ અંતમાં શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે કિશન ટીલવા, મહામંત્રી તરીકે મીલન લીંબાશીયા તેમજ સહદેવ ડોડીયાએ જણાવ્યું હતું.