પાણીનો બગાડ કરતી બાંધકામ સાઇટ્સ પણ સીલ થશે, ઝુંબેશ વધુ સઘન બનાવાશે: મ્યુ. કમિશનર
દૂકાનદારો દ્વારા થતાં દબાણો દુર કરવા સ્પેશિયલ ટીમ બનાવી રાઉન્ડ ધ ક્લોક ફેરણી કરાશે
રાજકોટને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ચાલી રહેલા સ્વચ્છતા એ જ સેવા અભિયાન હવે વેગ પકડી રહ્યું છે. આજે કમિશનર આનંદ પટેલે વાતચિતમાં કહ્યું હતું કે, જાહેર માર્ગો પરથી માત્ર ગંદકી કે કચરો હટાવવા પુરતી જ આ ઝુંબેશ રાખવાને બદલે હવે જાહેર માર્ગો પર બિલ્ડિંગ મટિરીયલ રાખતાં કે જાહેરમાં પાણીનો બગાડ કરીને ગંદકી ફેલાવતા બિલ્ડરો કોન્ટ્રાક્ટરો સામે પણ પગલાં લઇને આવી મિલકતો સીલ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે આ ઝુંબેશ અવિરતપણે ચાલું રખાશે. તેઓએ એમ પણ કહ્યું હતું કે, શહેરની મુખ્ય બજારોમાં રસ્તો દબાવનારા વેપારીઓ સામે પણ પગલાં લેવાનું શરૂ કરવામાં આવશે. આ માટે અધિકારીઓની સ્પેશ્યલ ટીમ બનાવીને રાઉન્ડ ધ ક્લોક ફેરણી કરવામાં આવશે.
કમિશનર આનંદ પટેલે ઉમેર્યું હતું કે, બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શન સાઇટ પર કોન્ટ્રાક્ટરો કે બિલ્ડરો દ્વારા કરવામાં આવતી ગંદકીઓ દુર કરવા માટે ટાઉનપ્લાનિંગ શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અને જાહેર રોડ પર બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શનનો માલસામાન રાખતાં કે જાહેરમાં પાણીનો બગાડ કરનારા કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સામે પગલાં લઇને જરૂર પડ્યે આવી બાંધકામ સાઇટ સીલ પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે શહેરના તમામ વિસ્તારોમાં ફૂટપાથો દબાવનારા કે જાહેર માર્ગો પર દબાણ કરનારા વેપારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે. આ માટે અધિકારીઓની એક સ્પેશ્યલ ટીમ કાર્યરત કરવામાં આવશે.
- Advertisement -
જાહેરમાં ગંદકી કરવા બદલ ચુનારાવાડમાં ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ સીલ
દરમિયાન આજે વોર્ડ નં:-15માં ચુનારાવાડ ચોક પાસે ડિલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવતા ન હોવાથી અને ગંદકી સબબ ન્યુસંન્સ ફેલાવતા હોવાથી સીલ કરવામાં આવી હતી. આ શોપના સંચાલકને જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવા બાબતે નોટીસ આપી, વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવ હતી. શોપના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના આપવામાં આવી હતી. તેમ છતાં જાહેર સ્વચ્છતા ન જળવતા ગઇકાલે ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રીંક્સ શોપ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ-સીલીંગ સહિતના પગલાં લેવામાં આવશે. જાહેરમાં ગંદકી કરતા આસામીઓ સામે ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી ધી જી. પી. એમ. સી. એક્ટ – 1949ની કલમ – 376 એ અન્વયે મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલ તથા નાયબ કમિશનર ધામેલીયાના માર્ગદર્શન હેઠળ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.