રોડ નજીકની ફેક્ટરીના માલિકો દ્વારા મામલતદાર અને પોલીસને રજૂઆત કરાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના નવા સાદુળકા ગામ નજીક માથાભારે પિતા પુત્રીએ આસપાસની ફેક્ટરીઓ નજીકથી પસાર થતા રસ્તા પર બુલડોઝર ફેરવી નાખીને ફેક્ટરીના માલિકો પાસે લાખોની રકમની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે મામલતદાર અને તાલુકા પોલીસને આ ત્રાસથી મુક્તિ અપાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબીના 8-એ નેશનલ હાઈવેથી નવા સાદુળકા ગામ પાસે જબુબેન હંસરાજભાઈ અને તેના પિતા હંસરાજભાઈ તેજાભાઈ પાંચોટીયાનું ખેતર આવેલું છે. તેના ખેતરને અડીને કાયદેસરનો સરકારી રસ્તો નીકળે છે જે રસ્તામાં કિસીવ પોલીપેક એલએલપી, હરિ કૃષ્ણ ઓઇલ મીલ, કાવર ઇન્ડસ્ટ્રીઝ, બાલાજી ડાયમંડ ટુલ્સ, ગ્રોવ મોર ઓટો પેક એલએલપી, ફોનીક કલર, ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ, ફોઈનીક્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની ફેક્ટરીઓ આવેલી છે ત્યારે ખેતરના માલિક એવા પિતા પુત્રી દ્વારા 8-એ નેશનલ હાઈવેથી નવા સાદુળકા જવાના માર્ગ પર ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જેથી ફેક્ટરીધારકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મામલે પિતા પુત્રીએ ફેક્ટરીધારકોને એવું કહ્યું હતું કે, તમે બધા ભેગા મળીને અમોને 25 લાખ રૂપિયા આપશો તો તમને ખોટી રીતે હેરાન પરેશાન નહીં કરીએ. આમ, પિતા પુત્રી દ્વારા પૈસાની લાલચમાં આસપાસના ફેક્ટરીધારકોને પરેશાન કરવામાં આવે છે એટલું જ નહીં આ રસ્તા પરથી જ્યારે આ પિતા પુત્રી પસાર થાય છે ત્યારે ફેક્ટરીના ડ્રાઈવરને અને મજૂરને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપે છે તેમજ ફેક્ટરીના વાહનોને પણ નુકસાન પહોંચાડે છે. ઓછું હોય તેમ આ ખેતરમાલિક દ્વારા મોટા પ્રમાણમાં માટીની ચોરી પણ કરવામાં આવી રહી છે. આ સંજોગોને ધ્યાનમાં લઈને પિતા પુત્રી વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ મોરબી મામલતદાર પાસે કરવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે.