‘સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો ઉમંગ ઉત્સવ- 2023’માં રેકોર્ડિંગ વિના જ પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર બાળકોએ ગરબા રમતા રમતા ગીતો પણ જાતે જ ગાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા “સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના ઉમંગ ઉત્સવ- 2023” નું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ સહાયક માહિતી નિયામક સોનલબેન જોશીપુરા, ભારતીબેન રાઠોડ તથા ઉપસ્થિતોના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ તકે સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે,દિવ્યાંગ બાળકોમાં છુપાયેલી કલાને બહાર લાવીને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકાર સુપેરે નિભાવી રહી છે. આવા કાર્યક્રમોના આયોજન થકી દિવ્યાંગ બાળકો માટે કલાત્મિક વાતાવરણ ઉભુ કરીને પ્રતિભાશાળી દિવ્યાંગ કલાકારોને આગળ આવવાની તકોનું નિર્માણ કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. હીરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પર્ફોર્મન્સ આર્ટ્સના પ્રિન્સિપાલ તથા ડીન ઓફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટસ ફેકલ્ટીના ડીન ભારતીબેન રાઠોડે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ તકે એશ્વર્યા વારિયર, ડો. સ્વાતિ મહેતા અવની પવાર કૃપલ સોમપુરા, કિરીટભાઈ રાજપરા, રેણુ યાજ્ઞિક, મૃણાલીની ભટ્ટ, જુલી કાલાવડીયા, મિહિર સેવક, હીનાબેન છાયા, પલ્લવી વ્યાસ, આયુષ કોટેચા, યોગેશ મહેતા, ભાવનાબેન જોશી, નયન ભટ્ટ, તૃપ્તિબેન સહિતના તજજ્ઞો અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.