હજજારોની જનમેદની ઉમટી લેસર શો અને આતશબાજીની લોકોએ મજા માણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રેસકોર્સ મેદાનમાં દશેરાએ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા પરંપરાગત રીતે રાવણ દહન કરાયું હતું. જેમાં બે કલાક અગાઉથી જ મેદાનમાં 60 હજાર જેટલી મેદની ઉમટી પડતાં 5 હજાર જેટલા લોકોએ મેદાન બહારથી રાવણ દહન, લેઝર શો અને આતશબાજી નીહાળી હતી. 60 ફૂટ ઉંચા રાવણ અને 30 ફૂટ ઊંચું મેઘનાદ અને 30 ફૂટ ઊંચું કુંભકર્ણનું પૂતળું તૈયાર કરાયું હતું. જે યુપી અને આગ્રાના કારીગરોએ બનાવ્યું હતું. ફાયર બ્રિગેડની 3 ગાડી અને 2 એમ્બ્યુલન્સ કાર્યક્રમ સ્થળે હાજર રાખવામાં આવી હતી. આતશબાજી અને લેસર-શોનું આયોજન નિહાળવા મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્થળે શસ્ત્ર કુટિર બનાવવામાં આવી હતી.જ્યાં હનુમાનજીની પ્રતિમા સમક્ષ આગેવાનો સહિત લોકોએ શસ્ત્રોનું પૂજન કર્યું હતું.
- Advertisement -
સાંજે સાત વાગ્યા પહેલા જ વિશાળ સંખ્યામાં લોકો રેસકોર્ષ ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા. જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી હતી. પોતા પોતાનું સ્થાન ગ્રહણ કરી આતશબાજી અને લેસર-શોની મજા લોકોએ માણી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિનીના સંયુક્ત ઉપક્રમે રાક્ષસના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે. આ વખતેના રાક્ષસ રૂપી રાવણના પૂતળા દહનના કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિત અનેક રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે ત્રણ વખત ઓમકાનો ઉચ્ચાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. એકડેઠઠ મેદની વચ્ચે 60 ફૂટના મહાકાય એક પૂતળા ઉપરાંત ત્રીસ-ત્રીસ ફૂટનાં બે મળી કુલ ત્રણ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વચ્ચે વચ્ચે જયશ્રી રામના ગગનભેદી નારાથી વાતવરણ ધર્મમય બની ગયું હતું.