વ્હાલી જિંદગી… તારામાં મારી હયાતીના બીજ રોપી હું વરસાદની રાહ જોઈ રહ્યો છું. પહેલા વરસાદની ભીની સુગંધથી બધા જ બીજ સુગંધિત થઈ રહ્યાં છે મારા સમગ્ર અસ્તિત્વમાં તારા નામની ઝાલર રણઝણી રહી છે. દીવડો સતત પાવન પ્રકાશ આપી રહ્યો છે. પવનના સૂસવાટા આવતા થોડો હલબલી ફરીથી મારા જીવનમાં પ્રકાશ ફેલાવવા એ જ દીવડો પ્રવૃત્ત થાય છે. આ બધી જ સ્થિતિ તારા હોવાને આભારી છે. જો તારી બાદબાકી થાય તો જીવનની શેષ મૃત્યુ જ આવે, કારણ કે તું મારી હયાતીના બીજને જીવાડનાર પ્રાણવાયુ છે. સતત તારામાં રહી, તારા વિચારોમાં લીન થઈ, લૂપ્ત થઈ જવું કેટલું સરસ છે ! મારી ક્ષણે ક્ષણ તારા સાંનિધ્યમાં વીતે એવા અભરખા સેવતા સેવતા હું દરેક વખતે તને સ્મરું છું
શિયાળાની કોઈ ખુબસુરત સવારે બોરડી પર ઝળુંબતા લાલઘૂમ ચણીબોર બાળકને લલચાવે અને બહુ જ તીવ્ર ઈચ્છા થતા એ બાળક બેફિકર બનીને આખી બોરડી ઝંઝેડી નાખે પછી બધા જ બોર ખિસ્સામાં ભરી, ખુશ થઈ આરોગ્યા કરે એવી જ રીતે હું તને આરોગું છું… પરંતુ તારા પ્રેમની બોરડીની દરેક ડાળ સુંવાળી છે, મખમલ જેવી- જેમાં એક પણ કાંટો નથી. જીવનભર આ બોરડીની મીઠાશ હું માણવા માગું છું.
તારું મારામાં હોવું એટલે હોવાપણાનો અતિરેક. દુધમાં સાકર ભળીને મીઠાશને એકરૂપ કરી પોતાનું સર્વસ્વ ઓળઘોળ કરી દે છે છતાં સાકરનો સ્વાદ જીભને મહેસૂસ થયા કરે એમ તું મારામાં ધબકયા કરે છે. તારી આંખોના ઊંડાણમાંથી ફૂટતું પ્રેમઝરણું મને શીતળતા આપે છે, તો એ જ આંખોમાંથી કોઈ વાર નીકળતા આંસુ મને સમૂળગો સળગાવી દે છે. હું ઉદાસ થઈને ઊંડા વિચારમાં ખોવાઈ જાઉં છું, કે જેની આંખોમાંથી હું અમૃતપાન કરું છું એને દુ:ખ પહોંચે તો મારામાં રહેલી કોઈ ખામી જ કારણભૂત હોવી જોઈએ. પછી હું હૃદયના ઊંડાણથી પ્રાયશ્ચિત કરી તારી ઉદાસ આંખમાં નવા સાચુકલા સપના ભરવા મંડી પડું છું. સાંજ સુધીમાં અઢળક સપનાઓ એકઠાં કરી તારી ઊંડી આંખોમાં આંજી દઉં છું અને સવારે સપનાનો આખો કાફલો મને સામે મળે છે.
કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે, કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/10/shabd-shungar-860x574.jpeg)