-નેપાળ, જાપાન, અલ્જેરીયા, સિંગાપોર, રશિયા, તાંઝાનીયા, આયર્લેન્ડ, અલ્બેનીયા, ઉઝબેકિસ્તાન, કોરિયા જેવા દેશોમાંથી પણ ક્રિકેટપ્રેમીઓ ખડકાયા
-મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત દેશના તમામ રાજયોમાંથી 38000 દર્શકો: ગૃહમંત્રાલય તથા પોલીસતંત્ર દ્વારા આંકડા એકત્રીત કરાયા
- Advertisement -
અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડકપનો ક્રેઝ માત્ર ગુજરાત કે ભારત પુરતો સીમીત નથી. વિશ્ર્વના 57 દેશોના ક્રિકેટ રસીયાઓ સ્ટેડીયમમાં ઉમટયા છે. ઉપરાંત દેશવિદેશના સેલીબ્રીટીઝ પણ મોટી સંખ્યામાં આપ્યા હોય તેમ ત્રણ દિવસમાં 150 જેટલા ખાનગી વિમાનોનો ટ્રાફિક છે. અન્ય વિમાની ટ્રાફીક પણ ચાર ગણો છે.
વિશ્ર્વના કટ્ટર હરિફ ગણાતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના અમદાવાદમાં ચાલી રહેલા મુકાબલાને ‘હાઈ વોલ્ટેજ’ ગણવામાં આવી જ રહ્યો છે. દેશ-વિદેશમાંથી દર્શકો નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ખડકાયા છે. વિદેશી પ્રેક્ષકોની સંખ્યા ચકાસવામાં આવે તો 57 દેશોના લોકો સ્ટેડીયમમાં મેચ જોવા આવ્યા છે.
કેન્દ્રના ગૃહમંત્રાલયના રીપોર્ટ પ્રમાણે અમદાવાદની 1229 હોટલોના 21739 રૂમ છેલ્લા ત્રણ દિવસથી બુક હતા. દેશના દરેકેદરેક રાજય તથા કેન્દ્ર શાસીત પ્રદેશોમાંથી 38000થી વધુ ક્રિકેટરસિયાઓ આવ્યા છે.
- Advertisement -
ગુજરાત સિવાય સૌથી વધુ દર્શકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનથી આવ્યા છે. 11થી13 ઓકટોબર દરમ્યાનનો આંકડાકીય રિપોર્ટ એવુ સુચવે છે કે 276 રૂમમાં 390 વિદેશી નાગરિકોનું આગમન થયુ હતું. સૌથી વધુ 45 રૂમ બ્રિટનના ક્રિકેટપ્રેમીઓએ બુક કરાવ્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, અમેરિકામાં પણ ક્રિકેટ ક્રેઝ વધતો રહ્યો હોય તેમ અમેરિકી ક્રિકેટ પ્રેમીઓએ 34 રૂમ બુક કરાવ્યા હતા. આ સિવાય નેપાળ, જાપાન, અલ્જેરીયા જેવા દેશોના ક્રિકેટપ્રેમીઓના નામે બે આંકડાઓમાં રૂમ બુક થયા હતા. રશિયા, આયરલેન્ડ, તાંઝાનીયા, સંયુક્ત આરબ અમીરાત સહિતના દેશોના ક્રિકેટપ્રેમીઓની હાજરી છે. તેના પરથી ક્રિકેટનો વ્યાપ વિશ્ર્વભરના દેશોમાં પ્રસરી રહ્યો હોવાનો નિર્દેશ ઉડે છે.
પોલીસના સૂત્રોએ એમ કહ્યું કે, અમદાવાદની હોટલોમાં મોટાભાગના રૂમ ક્રિકેટ રશિયાઓએ જ બુક કરાવ્યા હતા. અનેક રૂમમાં બે-બે ને બદલે પાંચ-પાંચ લોકોના રોકાવાની ગોઠવણ થઈ છે.
બીનનિવાસી ભારતીયો નવરાત્રી ઉજવવા માટે પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. તેઓ મોટાભાગે બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવતા હોય છે અને સંખ્યા પણ ઘણી મર્યાદીત હોય છે પરંતુ આ વખતે તો અલ્બેનીયા, ઉઝબેકિસ્તાન, અમેરિકન સમોઓ, એરીટ્રીયા, હોંગકોંગ, કોરીયા, પપુઆ ન્યુગીનીયા જેવા દેશોમાંથી પણ ક્રિકેટપ્રેમીઓ આવ્યા છે અને તેઓ ભારત-પાકિસ્તાન વચ્ચેનો વર્લ્ડકપ મેચ નિહાળવા જ આવ્યા હોવાનું સ્પષ્ટ છે. આ હાઈવોલ્ટેજ જંગ નિહાળવા કુલ 57 દેશોમાંથી ક્રિકેટપ્રેમીઓ આવ્યા હોવાની બાબત સૂચક છે.