ગોરા કુંભાર અને ભાઈ-બહેનના સંબંધો અંગે બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા અભદ્ર ભાષામાં ટીપ્પણી કરાતાં પ્રજાપતિ સમાજ રોષે ભરાયો: કલેક્ટરને આવેદન આપી કડડ કાર્યવાહીની માગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં ખોડિયાર માતાજી વિશે બફાટ કરીને વિરોધ થયા બાદ માફી માંગનાર વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ગોરા કુંભાર વિશે અભદ્ર ભાષામાં બફાટ કર્યાનું સામે આવ્યું છે. તેમના આ બફાટનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં બ્રહ્મસ્વરૂપ ગોરા કુંભાર વિશે હલકી ભાષામાં વર્ણન કરી રહ્યા હોઇ પ્રજાપતિ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને કલેક્ટરને આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ પ્રજાપતિ સમાજે કરી હતી. તો આ મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, વારંવાર આવી ભૂલો થાય તે યોગ્ય નથી. વાઈરલ થયેલા વીડિયોમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી પોતાના વક્તવ્યમાં સામાન્ય કુંભારણ સ્ત્રી અને ગોરા કુંભારનાં રૂમમાં સૂવા બાબતનું વર્ણન કરી રહ્યા છે. અત્યંત હલકી અને ગંદી ભાષામાં આવી બાબત વર્ણવી તેમણે પોતાની માનસિકતા છતી કરી હોવાનો આરોપ પ્રજાપતિ સમાજે લગાવ્યો છે. સ્વામીને કાંઈ બોલવાની ભાન નહીં હોવાથી અપમાનજનક ભાષામાં ભગવાન અને માતાજી વિશે બફાટ કરે છે. ગોરા કુંભાર વિશે તેમણે કરેલા બફાટને કારણે પ્રજાપતિ સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે સોશિયલ મીડિયા દ્વારા તેઓ માફી માંગે અને કાયદાની જોગવાઈ મુજબ તેની સામે કડક પગલાં લેવાય તેવી માંગ પ્રજાપતિ સમાજે જિલ્લા કલેક્ટર સમક્ષ કરી છે.
- Advertisement -
વારંવાર આવી ભૂલ ના થવી જોઈએ: રામ મોકરિયા
સમગ્ર મામલે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર આવી ભૂલ ના થવી જોઈએ. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ અગાઉ પણ ખોડિયાર માતાજી વિશે ટિપ્પણી કરી અને માફી પણ માંગી હતી. હિન્દુ સમાજમાં ભાગ ન પડે તે સંતોએ જોવું જોઈએ. સ્વામિનારાયણ સંતોને વિનંતી કે કોઈ વિશે ટીકા-ટિપ્પણી ન કરે. પ્રજાપતિ કે અન્ય કોઈપણ સમાજની લાગણી દુભાય તેવાં પ્રવચનો સ્વામિનારાયણ સંતોએ ન કરવા જોઈએ. આવી ભૂલો ન થાય તે માટે સંતોએ બેઠક કરવી જોઈએ. તેમજ સાથે મળી સ્વીકાર્ય રસ્તો કાઢવો જોઈએ. પ્રજાપતિ સમાજ પણ હિંદુ સમાજનું અંગ છે અને હિંદુઓએ એક થવાની જરૂર છે. ભાગલા ન પાડવા જોઈએ.
અગાઉ ખોડિયાર માતા વિશે બફાટ કર્યો હતો
આ પહેલાં બ્રહ્મસ્વરૂપ સ્વામી દ્વારા ખોડિયાર માતાજી વિશે બફાટ કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા ખોડલધામ અને માટેલધામ સહિતની સંસ્થાઓએ આકરી પ્રતિક્રિયા આપી હતી. સાથે જ કાયદાકીય રીતે કડક પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી હતી. જેને લઈને સ્વામીએ વીડિયો બનાવીને માફી માંગવી પડી હતી. ત્યારે ફરી તેમણે કરેલી વધુ એક ટિપ્પણીને લઈને વિવાદ ઊભો થયો છે. ત્યારે હવે તેઓ ક્યારે માફી માંગે છે તે જોવું રહ્યું.