ખેડૂતો માટે લાખોના ખર્ચે બનાવવામાં આવેલા શેડનો ઉપયોગ વેપારીઓ કરી રહ્યા છે !
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો વરસાદના ડરના કારણે પોતાનો માલ વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઈને આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રનું બીજા નંબરનું પીઠુ ગણાતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોના માલની પણ હવે સલામતી નથી કારણ કે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે બનાવવામાં આવેલા શેડનો ઉપયોગ ખેડૂતો માટે નહીં પણ વેપારીઓ વર્ષોથી પોતાના હિત માટે કરી રહ્યાં છે.
હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું સૌથી મોટું પીઠુ ગણાય છે અને આસપાસના વિસ્તારના હજારો ખેડૂતો પોતાની જણસી લઈને અહીંયા વેચાણ અર્થે આવતા હોય છે ત્યારે આ હળવદ માર્કિટિંગ યાર્ડમાં હજારો ખેડૂતો આવતા હોવાના પગલે દરરોજ કરોડો રૂપિયાનું ટર્ન ઓવર પણ થાય છે.
દરરોજ હજારો ખેડૂતો આવતા હોવાથી તેમની સુવિધા માટે માર્કેટિંગ યાર્ડમાં સસ્તા દરે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ સાથે યાર્ડમાં ખેડૂતોની જણસી માટે અલગ અલગ શેડ પણ બનાવવામાં આવ્યા છે અને હાલમાં જ એક વધારાના શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી કુલ મળી હાલ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5 શેડ ઉપલબ્ધ છે અને સતત ખેડૂતોના હિત માટે યાર્ડમાં વિકાસના કામો થતા રહે છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં બનાવવામાં આવેલા શેડ ખરેખર ખેડૂતો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે ? તે સવાલ છે.
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની જણસી લઈને આવતા હોય છે ત્યારે તેમની જણસી ખરાબ ન થાય તે માટે શેડમાં નાખવામાં આવે છે પરંતુ હાલ ખેડૂતો માત્ર ચાર શેડનો જ ઉપયોગ કરી શકે છે કારણ કે એક શેડ વેપારીઓ પોતાના હિત માટે ઉપયોગ કરી રહ્યાં છે.
હાલ કપાસ અને મગફળીની ભરપૂર આવક થઈ રહી છે પરંતુ ખેડૂતોને પોતાની જણસી ઠાલવવા જગ્યા ન મળતા ઉભા વાહનોમાં હરાજી કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોને ઉભા વાહનોમાં જ પોતાનો માલ રાખવાની ફરજ પડી રહી છે જેના કારણે વરસાદમાં ખેડૂતોની જણસી ખરાબ થવાની પણ સંભાવના રહેલી છે અને ખેડૂતોને પાછળથી હેરાન થવાનો વારો આવે છે.
સાથે જ ઉભા વાહનોમાં હરાજી કરાતી હોવાથી વાહનોની પણ લાંબી કતારો લાગે છે પરંતુ જો આ એક શેડનો ઉપયોગ વેપારીઓ નહીં પરંતુ ખેડૂતો માટે કરવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે અને ખેડૂતોનો માલ પણ પલળે નહીં જેથી ખેડૂતોને સારા ભાવ પણ મળી શકે છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડ વેપારીઓની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખીને યાર્ડની આજુબાજુ અથવા તો યાર્ડમાં ગોડાઉનની સુવિધા ઉપલબ્ધ કરે તો આ સમસ્યાનો અંત આવી શકે
એમ છે.