ઐતિહાસિક વારસાની જાળવણીમાં હળવદનું તંત્ર તદન નિષ્ફળ
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથક સંત, શૂરા અને સતીઓની ભૂમિ છે અને હળવદ છોટાકાશી તરીકે પણ પ્રખ્યાત છે તેમજ હળવદની ચારેય તરફ ભગવાન ભોળાનાથના શિવાલયો આવેલા છે જોકે હળવદ છેલ્લા થોડાક વર્ષોથી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ હળવદનું તંત્ર ઐતિહાસિક વારસાની જાળવણીમાં દિન પ્રતિદીન ઉતરતા ક્રમે જોવા મળે છે. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો અલગ અલગ સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે જેમાં શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, ગટરની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા, સ્વચ્છતા સહિતની અનેક સમસ્યાઓ ઠેરની ઠેર જ છે. હળવદની શાન ગણાતા સામંતસર તળાવનો વિકાસ પણ રુંધાઈ ગયા ેહોય તેમ લાગી રહ્યું છે. સામંતસર તળાવ આસપાસ કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ આજે પણ તેની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે. અનેક સામાજિક સંસ્થાઓ તથા સામાજિક આગેવાનોના સહયોગથી વૃક્ષોની જાળવણી કરવામાં આવી રહી છે પરંતુ જે કામગીરી નગરપાલિકાએ કરવાની હોય છે તે કામ આજે સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વધુમાં વાત કરીએ તો, હાલ સામંતસર તળાવમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જ જોવા મળી રહી છે જો સામંતસર તળાવની સફાઈ કરવામાં આવે તો એક પર્યટન સ્થળ તરીકે વિકસી શકે એમ છે અને લોકો પોતાના પરિવાર સાથે ફરવા પણ આવી શકે છે જોકે હાલ તળાવમાં ગંદકી હોવાથી લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ લાગે છે.
- Advertisement -
મોર્નિંગ વોક પર નીકળતા સિનિયર સિટિઝનોએ તળાવની લીલ અને કચરો સાફ કરવાની પહેલ કરી
મોર્નિંગમાં વોક પર નીકળતા સિનિયર સિટીઝનો અને તેમના મિત્રો મળીને કુલ 25 સભ્યો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સવારે 6:30 થી અનુકુળ સમય સુધી સામંતસર તળાવમાં રહેલી લીલ તથા તેમાં રહેલો કચરો બહાર કાઢવામાં આવશે અને લોકોને પણ સાથ સહકાર આપવા અપીલ કરી રહ્યાં છે તેમજ સાથે નગરપાલિકા પાસે પણ અપેક્ષા રાખવામાં આવે છે કે, જે કચરો તેઓ કાઢી રહ્યાં છે તેનો યોગ્ય નીકાલ થાય તેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ.
ખંડિત મૂર્તિઓ અને ફૂલહાર સહિતની વસ્તુઓ તળાવમાં ન નાખવી જોઈએ : સિનિયર સિટીઝન
આ અંગે સિનિયર સિટીઝન મોરડીયા સાહેબે જણાવ્યું હતું કે, ભગવાનની પ્રતિમાઓ, ખંડિત મૂર્તિઓ તેમજ ધાર્મિક વિધિ વિધાનમાં ઉપયોગ કરાયેલા ફુલહાર, ધજાઓ કે અન્ય વસ્તુઓનો અન્ય યોગ્ય જગ્યાએ નીકાલ કરવામાં આવે તો સામંતસર તળાવની સુંદરતા જળવાઈ રહે જોકે હાલ નગરપાલિકા તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અને નગરપાલિકા દ્વારા કરવાની કામગીરી હવે હળવદના નગરજનો કરી રહ્યાં છે.