લગ્નોત્સવની તડામાર તૈયારીઓ શરૂ, આણુ દર્શનથી લઇને ફોટોગ્રાફી સુધીની માહિતી અપાઇ
ખાસ-ખબર સંવાદદાતા
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ સંચાલિત દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અનેકવિધ શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક પ્રવૃતિઓ કરતું રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી માત્ર રાજકોટ-સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતમાં જેની નોંધ લેવાઇ રહી છે તે માતા-પિતા વિહોણી દિકરીઓના જાજરમાન લગ્નોત્સવ વહાલુડીના વિવાહ આ વર્ષે પણ રાજકોટના આંગણે યોજનાર છે. સમાજજીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આગામી 17મી ડિસેમ્બરને રવિવારના રોજ યોજાનાર છે. જે અંગેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને કાર્યકર્તાઓ-દાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વહાલુડીના વિવાહ-6 અંતર્ગત યોજાનાર લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડનારી 25 દિકરીઓ સાથે પિયરપક્ષ તેમજ સાસરીયા પક્ષના લોકોની ઉપસ્થિતિમાં એક મીટીંગ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે દીકરીઓ-દાતાઓ તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં યોજાઇ હતી. જેમાં વહાલુડીના વિવાહ-6ના આ વર્ષના મુખ્ય યજમાન રાજકોટના ઉદ્યોગપતિ મનસુખભાઇ પાણ પરીવારના અરવિંદભાઇ પાણ, સંજયભાઇ પાણ અને ચિરાગભાઇ પાણે દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યુ હતું. આ મીટીંગમાં પાણ પરિવારના મહિલા સદસ્યો ઇલાબેન, ગીતાબેન, ડો. રેખાબેન પટેલ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપક અને વહાલુડીના વિવાહના મુખ્ય આયોજક મુકેશભાઇ દોશીએ તમામ દિકરીઓ અને પરીવારજનોને આવકારી વહાલુડીના વિવાહ-6ની આણુ દર્શન, મહેંદી રસમ, બ્યુટી પાર્લર, મંડપ મૂહુર્ત, થેલેસેમીયા ટેસ્ટ, કરીયાવર, ક્ધયાદાન, ફોટોગ્રાફી સહિતની બાબતોની વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર આયોજનની વ્યવસ્થા સંસ્થાના અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઇ આદ્રોજા સહિતનાઓએ
સંભાળી હતી.