સરકાર ભાવિ શિક્ષકોનો અવાજ સાંભળે તે માટે રામદેવજી મહારાજને આવેદન અપાયું
વર્ષોની તૈયારીઓ બાદ કરાર આધારિત ભરતી મંજૂર નથી: ઉમેદવારો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકની ભરતી કરવા બાબતે હળવદના શક્તિનગર ખાતે આવેલા નકલંગ ધામમાં બિરાજમાન રામદેવપીરને ટેટ અને ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષોથી શિક્ષકોની જગ્યા ખાલી છે જેથી ગરીબ અને સામાન્ય વર્ગના સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.
શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી કરવાને બદલે 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના દાખલ કરવામાં આવી છે જે ખુબ અન્યાયી છે. વર્ષોના અભ્યાસ બાદ તાલીમ પામેલા બીએડ અને પીટીસી થયેલા ઉમેદવારો છેલ્લા પાંચ વર્ષથી કાયમી ભરતીની રાહ જોઈને બેઠા છે જે સરકાર દ્વારા નિયત શૈક્ષણિક લાયકાત ઉપરાંત ટેટ અને ટાટ પરીક્ષા પણ પાસ થયેલા ઉમેદવારો છે.
આવા હજારો તાલીમાર્થીઓ માટે આ જ્ઞાન સહાયક યોજના અન્યાયકર્તા છે જેથી આ યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કરવામાં આવે તેવી માંગ સાથે ઉમેદવારોએ રામદેવજી મહારાજ અને નકલંગ ધામ ખાતે મહંત દલસુખરામ બાપુને આવેદન આપી રજૂઆત
કરી છે.