ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વધશે વરસાદનું જોર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વરસાદના અણસાર જોવા મળી રહ્યા છે. આ અઠવાડિયે દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં લોપ્રેશર સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું જોર વધશે.
આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, અમરેલી, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદની આગાહી છે. આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ વિસ્તારોમાં પડશે વરસાદ!
તેઓએ જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન પંચમહાલ, ભરૂચ, સાપુતારામાં વરસાદની આગાહી છે. તો વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જામનગરમાં પણ વરસાદ વરસશે. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે. તેઓએ કહ્યું કે, ઓક્ટોબર મહિનામાં હવાનું દબાણ ઉત્પન્ન થવાથી વરસાદ રહેશે.