ચનાજોરના રસિયાઓ ચેતી જજો: મનપાની ફૂડ શાખાના દૂધસાગર રોડ પર દરોડો
R.S. ગૃહ ઉદ્યોગમાંથી ચણા મસાલાના પાવડર, તેલના નમૂના લેવાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ચુનારાવાડ ચોક નજીક આવેલ દાબેલા ચણા બનાવતા આર.એસ. ગૃહ ઉદ્યોગમાં મોટાપાયે ભેળસેળનો પર્દાફાશ કર્યો છે. જેમાં જીવાત તેમજ ફૂગવાળા ચણામાંથી દાઝિયા તેલ વડે દાબેલા ચણા બનાવવામાં આવતા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા 4 હજાર કિલો જેટલો કાચોમાલ તેમજ 200 કિલો તૈયાર ચણાનો અને અંદાજે 60 લીટર દાઝિયા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેલના સેમ્પલને પણ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. વેપારીને હાઇજેનિક કંડિશન જાળવવા સહિતની બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ સ્થળ પરથી ચના મસાલા સીઝનિંગ પાવડર, ચણા તેમજ યુઝડ ફ્રાઇંગ ઓઇલના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગની ઋજઠ વાન દ્વારા શહેરના કોઠારીયા રોડ થી હૂડકો પોલીસ ચોકી તથા કોપરસીટી હોકર ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 31 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 11 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તથા સ્થળ પર કુલ 13 કિ.ગ્રા. અખાદ્ય વાસી ચીજોનો નાશ કરવામાં આવ્યો હતો. આ સિવાય પંજાબી-ચાઈનીઝ, પેટીસ, પાઉંભાજી, ફાસ્ટફૂડના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડી દાઝીયા તેલનો નાશ તથા લાયસન્સ માટે સૂચના અપાઈ હતી.
- Advertisement -
પરફેક્ટ આમલેટમાં ચેકિંગ: 20 થેલી વાસી છાસનો નાશ
ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ‘પરફેક્ટ આમલેટ’ રૈયા રોડની તપાસ કરતાં વાહનમાં સંગ્રહ કરેલી એક્સપાયરી થયેલી વાસી 160 મિલી પેકિંગ છાસના પાઉચ નંગ- 20નો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તથા વાહન ધારક હોકરને હાઈજીનિક કન્ડિશન જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલાં જમવામાં વાસી છાશ પધરાવી દેવામાં આવી હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
સમોસાના રૂા. 100થી 150 પડાવતા હોવા છતાં પણ આર.વર્લ્ડ સિનેમાના સમોસાના નમૂના લેવાયા
આર વર્લ્ડ સિનેમામાં વેચાતા સમોસા અને ટોમેટો કેચઅપના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ગીતાનગરમાં આવેલા ભાવના ફૂડમાંથી 500 ગ્રામના પેકિંગ ખજૂરના નમૂના લેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે, શહેરની મોટાભાગની મલ્ટિપ્લેકસ થિયેટરમાં નાસ્તાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. જેમાં મોટાભાગે બજારમાં મળતા નાસ્તાના ભાવ કરતા 100 ગણો ભાવ વસૂલવામાં આવે છે. ત્યારે રૂા.100થી 150 જેવો ભાવ લેવા છતાં પણ ગ્રાહકોને વાસી સમોસા ધાબડી દેવામાં આવે છે.