ફાયર બ્રિગેડના જવાનોએ બે લાશ બહાર કાઢી, પરિવારજનો સાથે ન્હાવા જતાં માસૂમ દુર્ઘટનાનો ભોગ બની
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં આજી અને ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોતની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે ત્યારે આજ રોજ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજીડેમમાં ડૂબી જતાં બે તરૂણીનાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડનાં જવાનો દ્વારા આજી ડેમમાંથી બંને તરૂણીની લાશને બહાર કાઢીને આજી ડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા નેપાળી પરિવારની મુમતાઝ દિલબહાદુરભાઈ પરિહાર તેમજ હીર દિપકભાઈ પરિહાર નામની બે તરૂણી તેના પરિવાર સાથે આજી ડેમમાં ન્હાવા ગઈ હતી. દરમિયાન અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતા બંને ડૂબવા લાગી હતી. જેને લઈને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની ટીમ દ્વારા બંને તરૂણીને શોધી બહાર કાઢવામાં આવી હતી. જોકે ફાયર વિભાગને બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. જેને લઈને આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.