રશિયામાં બુધવારે એક પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં દસ લોકોના મોત થયાના સમાચાર છે. આ પ્લેન ક્રેશ મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ વચ્ચે થયો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિમાનમાં સવાર મુસાફરોની યાદીમાં રશિયાની ખાનગી સેના વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિનનું નામ પણ સામેલ છે.
પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે યેવગેની વિમાનમાં સવાર હતા કે નહીં. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેન પ્રિગોઝિનનું હતું. રશિયાની સત્તાવાર સમાચાર એજન્સી તાસે ઈમરજન્સી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં ત્રણ પાઈલટ સહિત કુલ સાત મુસાફરો સવાર હતા. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
પ્રિગોઝિને પુતિન સામે કર્યો હતો બળવો
વેગનર એક ખાનગી આર્મી છે. વેગનર આર્મી રશિયન આર્મી સાથે યુક્રેનમાં યુદ્ધ લડી રહી હતી. તે છેલ્લા ઘણા સમયથી સૈન્ય અને ગુપ્તચર કામગીરીને લઈને પણ વિવાદોમાં છે. વેગનર આર્મી ચીફ યેવગેની પ્રિગોઝિન એક સમયે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં પ્રિગોઝિને રશિયન સેના અને પુતિન સામે બળવો કર્યો હતો.
પુતિને પ્રિગોઝિનના પગલાને ‘દેશદ્રોહી’ અને ‘પીઠમાં છરા મારવા’ તરીકે ગણાવ્યા હતા. જો કે, પ્રિગોઝિને દાવો કર્યો હતો કે તે યુક્રેનમાં યુદ્ધનું નેતૃત્વ કરી રહેલા કમાન્ડરોનો વિરોધ કરી રહ્યો હતો. આમ કરીને પ્રિગોઝિને પોતાને ‘દેશભક્ત’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
પ્રિગોઝિન કોણ છે?
યેવગેની પ્રિગોઝિન પુતિનના રસોઈયા તરીકે ઓળખાય છે. પ્રિગોઝિનનો જન્મ 1961 માં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ) માં થયો હતો. 20 વર્ષની ઉંમરે, પ્રિગોઝિન હુમલો, લૂંટ અને છેતરપિંડી સહિતના ઘણા કેસોમાં વોન્ટેડ બન્યો. આ પછી તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 9 વર્ષ પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.