સોલામાં 2 સપ્તાહમાં ડેન્ગ્યુના 203 વાયરલ ઈન્ફેક્શનના 2,876 કેસ થયા
ખાસ-ખબર સંવાદદાતા
ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે 95 કેસ હતા. શરદી, તાવ સહિતના વાયરલ ઈન્ફેક્શનના એક સપ્તાહમાં 1397 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે 1436 દર્દી હતા. બીજી તરફ આંખો આવવાના કેસ ધીમે ધીમે ઘટવા લાગ્યા છે. એકંદરે સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના 1700થી 1800 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં જુલાઈ 2023 સુધી એટલે કે સાત મહિનામાં ડેન્ગ્યુના 876 અને ચિકન ગુનિયાના 136 કેસ નોંધાયા હતા. સોલા સિવિલના ડો. પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. બાળકોની ઓપીડીમાં જે દર્દી નોંધાય છે તેમાંથી 25થી 28% જેટલા દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. એકંદરે બાળકોમાં દાખલ કરીને સારવાર આપવાનું પ્રમાણ ઘટ્યું છે, અગાઉ આ રેશિયો 33% સુધી પહોંચ્યો હતો.
- Advertisement -
બીજી તરફ પુખ્ત વયના દર્દીઓમાં દાખલ થવાનું પ્રમાણ 10% આસપાસ છે. હોસ્પિટલ સૂત્રોએ કહ્યું છે કે, છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાના 3 કેસ, ટાઈફોઈડના 6, કમળાના 5 કેસ નોંધાયા છે. છેલ્લા લાંબા સમયથી કોરોના અને સ્વાઈન ફલૂના નવા કેસ નોંધાયા નથી.



