મનપા દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવશે, જેને અનુલક્ષીને બહુમાળી ચોકથી મહાત્મા ગાંધીની પ્રતિમા સુધી રસ્તાને તિરંગાથી શણગાર કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રામાં 15થી 20 હજાર લોકો જોડાય તેવી શક્યતા છે.
તા. 13 થી 15 ઓગસ્ટ, 2023 દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન: રાજકોટમાં ઘેર ઘેર લહેરાશે રાષ્ટ્રધ્વજ
- Advertisement -
મનપાની 6 હાઈસ્કૂલોના 1 હજાર અને શિક્ષણ સમિતિના 33 હજાર છાત્રો અને શિક્ષકો દ્વારા પ્રભાત ફેરી યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુને વધુ પ્રબળ બને તેવા ઉમદા આશય સાથે ભારત સરકાર દ્વારા તિરંગા યાત્રા તથા હર ઘર તિરંગા અભિયાનનું સમગ્ર દેશમાં તા. 13-08-2023 થી તા. 15-08-2023 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આ દિવસો દરમ્યાન ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી હર ઘર તિરંગા લહેરાવવાની સાથોસાથ તા. 14-08-2023ના રોજ સવારે તિરંગા યાત્રાનું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત તા. 14મી ઓગસ્ટના રોજ સવારે 07:30 વાગ્યે શાળાઓના બાળકો અને શિક્ષકોની પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા શહેરના વિવિધ ક્ષેત્રોને તેમાં સામેલ કરશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1.5 લાખથી વધુ રાષ્ટ્રધ્વજ લોકોના ઘર ઘર સુધી પહોંચે તે માટે કર્મચારીઓ / અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. શહેરના વિવિધ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાપારિક, ઔદ્યોગિક, સ્કુલ-કોલેજો વગેરે સંસ્થાઓ અને અલગ અલગ એસોસીએશનનાં સહયોગથી હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવામાં આવશે. લોકોને શહેરની તમામ 18 વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતેથી ઓફિસ સમય દરમ્યાન રાષ્ટ્રધ્વજ વિનામુલ્યે આપવામાં આવશે.
- Advertisement -
આ ઉપરાંત તિરંગા યાત્રામાં આશરે 20 હજાર જેટલા લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવેલ છે, તા. 14મી ઓગસ્ટે સવારે 09:00 કલાકે સરદાર પટેલની પ્રતિમા, બહુમાળી ભવન ચોક, રેસકોર્સ ખાતેથી તિરંગા યાત્રા પ્રસ્થાન થશે અને ત્યાંથી ચૌધરી હાઈસ્કૂલ વાળા રસ્તાથી જયૂબેલી તરફ કુચ કરશે અને જ્યુબિલી ચોક ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરી તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ થશે.
રાજકોટ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ 93 પ્રાથમિક શાળાઓના 33000 જેટલા બાળકો અને શિક્ષકો તેમજ 06 હાઈસ્કુલના 1000 જેટલા બાળકો અને શિક્ષકો દ્વારા તા. 14 – ઓગસ્ટ ને સોમવારે સવારે 07:30 કલાકે શાળાની નજીકના રહેણાંક વિસ્તારોમાં પ્રભાત ફેરી યોજવામાં આવનાર છે.