ઇતિહાસમાં સૌપ્રથમ વખત વિજ્ઞાને અલગ-અલગ કમ્પ્યુટર અલ્ગોરિધમ, ડેટા અને રીસર્ચની મદદ વડે પૃથ્વીથી અબજો પ્રકાશવર્ષ દૂર આવેલા બ્લેકહોલની વાસ્તવિક તસ્વીર ક્લિક કરી અને વિશ્વને ભેટ ધરી. ‘બ્લેકહોલ’ની સંપૂર્ણ પરિભાષા તો આજસુધી ખગોળવિજ્ઞાનીઓ પણ સમજી નથી શક્યા. બ્લેકહોલના પ્રભાવમાં આવીને પ્રચંડ ગુરૂત્વાકર્ષણથી ખેંચાઈ આવતાં અવકાશી દ્રવ્યો ક્ષણનાં છઠ્ઠા ભાગમાં આખરે ગાયબ ક્યાં થઈ જાય છે એ રહસ્ય હજુ વણઉકેલ્યુ જ છે! પરંતુ હિંદુ ધર્મ પાસે કદાચ આનો જવાબ છે, એમ કહી શકાય. બ્લેકહોલની થિયરી સુધી પહોંચતા પહેલા અન્ય કેટલીક બાબતોની ચર્ચા કરવી આવશ્યક છે.
પરખ ભટ્ટ
- Advertisement -
ધ્રુવલોક
ઉર્ધ્વલોકના ભુવનોમાં સ્વર્ગલોકની એક સ્તર ઉપર વર્ણવાયેલ મહર્લોક યાદ છે? ત્યારપછીનો ક્રમ છે ધ્રુવલોકનો! આકાશમાં દેખાતા ધ્રુવ તારાનું પણ પોતાનુ એક અલગ વિશ્વ છે. મહર્લોકથી ૧ કરોડ યોજન નીચે આવેલા ધ્રુવ તારાની આજુબાજુ કંઈ-કેટલાય ગ્રહો ભ્રમણ કરે છે. શ્રીમદ ભાગવતમમાં જણાવ્યા અનુસાર, ધ્રુવલોક તારાવર્તુળની બરોબર વચ્ચે આવેલુ ભુવન છે. તેની આજુબાજુ અગણિત તારા ભ્રમણ કરતા હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. આકાશગંગાનુ ચિત્ર યાદ કરો. સૌથી વચ્ચે એક તેજસ્વી બિંદુ અને એની આજુબાજુ ભ્રમણ કરતા અગણિત તારા! ધ્રુવલોકને આ તેજસ્વી મધ્યબિંદુ સાથે સરખાવવામાં આવ્યુ છે. જેની આજુબાજુ આપણો સૂર્ય પણ પોતાની ધરી પર નિયમિત ભ્રમણ કરતો રહે છે.
અવકાશમાં કરોડો બ્રહ્માંડો અસ્તિત્વ ધરાવે છે અને દરેક પાસે પોતાનું અલાયદુ વૈકુંઠ છે, જેમાં ભગવાન શ્રી વિષ્ણુ વસવાટ ધરાવે છે! વૈકુંઠ એક એવી જગ્યા છે, જ્યાં દૂધનો સમુદ્ર હોવાની માન્યતા સેવવામાં આવી છે! ત્યાં શ્વેતદ્વીપ પર ભગવાન વિષ્ણુનું રહેઠાણ છે. આપણા બ્રહ્માંડ અને આકાશગંગાની વાત કરીએ તો, ધ્રુવલોકની પૂર્વ બાજુએ સ્થિત વૈકુંઠમાં ક્ષીરોદકશાયી વિષ્ણુનું રહેઠાણ હોવાની સંભાવના છે. બે લાખ ચોરસફૂટમાં ફેલાયેલા શ્વેતદ્વીપ પર મનોવાંછિત ફળ આપતાં વૃક્ષો અને તમામ સુખ-સવલતો હોવાની વાતને સ્વીકારવામાં આવી છે. પ્રલય સમયે પણ ભગવાન શિવની કૃપાથી અહીં કંઈ જ નષ્ટ નથી થતું. ધ્રુવલોકની ઇર્દગિર્દ ઘુમતાં તારામંડળ કળિયુગના અંત સમયે વિનાશ પામીને એકાકાર થઈ જાય છે.
- Advertisement -
શ્રીમદ ભાગવતમમાં સૂર્યને ૧૬,૦૦૦ માઇલ્સ પ્રતિ સેકન્ડની ઝડપથી ધ્રુવલોકની ફરતે ઘુમતો દેખાડાયો છે. ફક્ત આટલુ જ નહીં, એમ કહેવાયું છે કે ધ્રુવલોકની આસપાસનાં વિસ્તારમાં પ્રબળ ગુરૂત્વાકર્ષણબળ અને ઉર્જાનું અસ્તિત્વ છે. હવે વિચાર કરો સાહેબ, હિંદુ ધર્મના ગ્રંથમાં કહેવાયેલી આ વાતને આપણે કઈ સાયન્ટિફિક ઘટના સાથે સરખાવી શકીએ? બ્લેકહોલ! પ્રચંડ ગુરૂત્વાકર્ષણક્ષેત્ર ધરાવતાં આ વિસ્તારને વિજ્ઞાને બ્લેકહોલનું નામ આપ્યુ છે. જેના સંપર્કમાં આવનારા પ્રત્યેક અવકાશી દ્રવ્યને તે પોતાની અંદર સમાવી લે છે. ઘડીના છઠ્ઠા ભાગની અંદર જાણે તે છૂમંતર થઈ જાય છે. શ્રીમદ ભાગવતમમાં તો ત્યાં સુધી જણાવાયું છે કે આ પ્રકારનો ગુરૂત્વાકર્ષણ ધરાવતો વિસ્તાર (બ્લેકહોલ) ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતને જોડતી કડી છે, મધ્યબિંદુ છે!
તો શું આનો મતલબ એમ કરી શકાય કે, બ્લેકહોલમાં શોષાઈને પસાર થનારા દરેક અવકાશી તત્વો ધ્રુવલોક પહોંચી જાય છે? એમાંથી પસાર થનારી પ્રત્યેક શુદ્ધાત્મા મોક્ષ પ્રાપ્ત કરીને વૈકુંઠ ચાલી જાય છે?
સપ્તઋષિ લોક
ધ્રુવલોકથી ૧ લાખ યોજન નીચે આવેલું સપ્તઋષિ લોક સાત મહાન ઋષિઓનું રહેઠાણ માનવામાં આવે છે. તમામ મહર્ષિઓને બ્રહ્માંડના સૌથી એડવાન્સ્ડ માર્ગદર્શક તરીકે સ્વીકારાયા છે. આદિકાળથી તેઓ દરેક યુગના પરિવર્તનો અને માનવજાતિનાં ઉત્કર્ષનાં સાક્ષી રહ્યા છે. ખગોળવિજ્ઞાનની દ્રષ્ટિથી વિચારીએ તો, અવકાશમાં તેઓ (સાત તારાનું ઝૂમખુ) ધ્રુવ તારાની ઇર્દગિર્દ ઘુમે છે (અર્થાત ધ્રુવલોકની આજુબાજુ ભ્રમણ કરે છે!) આ વાતને સત્ય સાબિત કરતા કેટલાય નમૂનાઓ આપણા વેદ-પુરાણોમાં મળી આવે છે. ઋષિ વશિષ્ઠ અને ઋષિ વિશ્વામિત્રનો સમાવેશ સપ્ત ઋષિમાં કરવામાં આવ્યો છે. તમને ખ્યાલ હશે કે, ઋષિ વિશ્વામિત્ર ભગવાન રામનાં ગુરૂ હતાં અને ઋષિ વશિષ્ઠ સમગ્ર સૂર્યવંશનાં ગુરૂ! તમામ વેદ-પુરાણો, મહાભારત અને રામાયણમાં સપ્ત ઋષિઓનો ઉલ્લેખ છે, જે પૂરવાર કરે છે કે દરેક યુગમાં સપ્તઋષિઓએ માનવજાતિનાં ઉત્થાનમાં બહુ અગત્યનો ફાળો ભજવ્યો હતો.
નક્ષત્રલોક
સૂર્યમંડળની તદ્દન પાડોશમાં નક્ષત્રોના ઝૂમખા જોવા મળે છે. જ્યોતિષવિજ્ઞાન અને ખગોળશાસ્ત્રમાં નક્ષત્રોની ભૂમિકા મહત્વની છે. હિંદુ ધર્મમાં નક્ષત્રોની દશા અને દિશા સાથે વ્યક્તિનાં કર્મો તથા ભવિષ્ય સંલગ્ન હોવાની બાબત સ્વીકારવામાં આવી છે. માણસના વ્યક્તિગત જીવન પર નક્ષત્ર અત્યંત ઉંડો પ્રભાવ પાડે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નક્ષત્રલોક એ વાસ્તવમાં ‘લગુન નેબ્યુલા’ (આકાશમાં અતિ દૂર દેખાતો તારાનો પ્રકાશપટ) છે!
સૂર્યલોક
સૂર્યદેવતાનાં ઘરને સૂર્યલોક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભુલોક અને ભુવર્લોકની વચ્ચે સ્થિત સૂર્યલોક પૃથ્વીથી ૧ લાખ યોજનની ઉંચાઈએ વસેલુ છે. વૈજ્ઞાનિક થિયરી મુજબ, બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. સૂર્યલોક આપણા બ્રહ્માંડની વચ્ચોવચ છે. જોકે, આધુનિક ખગોળવિજ્ઞાન એટલું સમૃદ્ધ નથી થયું કે બ્રહ્માંડ સુધીનું અંતર માપી શકે! સૂર્યમંડળના અન્ય લોકમાં ચંદ્રલોક અને રાહુનો પણ સમાવેશ થાય છે.
નર્કલોક
સંસ્કૃત શબ્દ ‘નર્ક’ને ખ્રિસ્તીઓ દ્વારા ‘હેલ’ અને ઇસ્લામમાં ‘દોઝખ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ છે. એક એવી જગ્યા, જ્યાં આત્માને ભૂલોક પર માણસ અવતારમાં કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરાવવામાં આવે છે. અલબત્ત, પોતાના ભાગની સજા ભોગવ્યા બાદ આત્માને એમના પોતાના લોકમાં પરત ફરી જવા માટેની સ્વતંત્રતા આપી દેવાય છે. વૈદિક સાહિત્યમાં ૨૮ પ્રકારના નર્કનો ઉલ્લેખ છે : રૌરવ, મહાજ્વલ, સુકાર, રોધ, તલ, વિષસન, વિલોહિત, અસિપત્રવણ, રૂધિરામ્ભ, કૃમિભોજન, દારૂણ, પુયુવહ, પાપ, વાહ્નીજલ, વૈતરણી, કૃમિશ, અધશિરા, તમસ, અવિચિ, સાંદાંશ, કાલસુત્ર, સ્વભોજન, અપ્રતિષ્ઠિત, કૃષ્ણ, તપ્તકુંભ, લાવણ અને લાલભક્ષ અને અપ્રચી!
મૃત્યુ બાદ આત્મા સૂર્યપુત્ર યમરાજ પાસે પોતાનાં કર્મોનો હિસાબ નોંધાવવા માટે પહોંચી જાય છે. ચિત્રગુપ્તનાં લેખાજોખાનાં ચોપડા અનુસાર, આત્માને એમનાં કર્મફળ પ્રાપ્ત થાય છે. પોતાના દૂષિત કર્મોનો સ્વીકાર કરનારને પ્રમાણમાં ઓછી સજા પ્રાપ્ત થાય છે, બાકીનાઓને ૨૮ નર્કમાં મોકલી આપવામાં આવે છે.
આપણા વેદ-પુરાણોમાં નર્કની સજાને શાશ્વત ગણાવાઈ છે, પરંતુ વાસ્તવમાં આત્માને મળી રહેલા દંડનો સમયગાળો ફક્ત અમુક ક્ષણ અથવા સેકન્ડનો જ હોય છે! (જોકે, નર્કનો આટલો સમય પણ આત્માને અંતહીન પીડા આપવા માટે પૂરતો છે!) પશ્ચિમી સંસ્કૃતિનાં ધર્મગ્રંથોની સરખામણીમાં નર્કનો કોન્સેપ્ટ આપણે ત્યાં જુદો પડે છે. બાઇબલ અને કુરાનમાં સારા-ખરાબ કર્મો વિશે થોડીક અલગ વાત કહેવામાં આવી છે. બાઇબલમાં જણાવાયું છે કે, અગર મનુષ્યનાં કર્મો સારા હશે તો તેને સ્વર્ગ પ્રાપ્ત થશે અને નહીં હોય તો નર્ક! જ્યારે હિંદુ ધર્મમાં સ્વર્ગ-નર્કના પણ પેટાવિભાગો જોવા મળે છે. ઉત્કૃષ્ટ કર્મો ધરાવતાં મનુષ્યનો આત્મા મૃત્યુ બાદ વૈકુંઠ જાય છે. સારા કર્મો કરનાર વ્યક્તિનો આત્મા તપોલોક, જનલોક અથવા મહર્લોકમાં ઉન્નતિ પામે છે. જ્યારે કોઇ પાપકર્મ ન આચરનાર મનુષ્યનો આત્મા સ્વર્ગલોક, ભુવર્લોક અથવા ધ્રુવલોકને હકદાર હોય છે. બિલ્કુલ એવી જ રીતે, પૃથ્વી પર પાપ આચરનાર વ્યક્તિનો આત્મા બીજા જન્મમાં વનસ્પતિ, પ્રાણી અથવા પશુ-પક્ષી-જીવજંતુનો દેહ ધારણ કરે છે. બળાત્કાર, ખૂન ઇત્યાદિ પાપ કરનાર મનુષ્યનો દુષ્ટાત્મા નર્કલોકમાં સ્થાન ગ્રહણ કરે છે.
આનો મતલબ એમ પણ કરી શકાય કે, આપણા વેદ-પુરાણોએ દેવ કે મહર્ષિઓને પણ કર્મફળનાં બંધનમાથી બાકાત નથી રહેવા દીધા! કર્મો ખરાબ હશે તો દેવ હોય કે ઋષિ, દરેકને પોતાનાં ભાગનો દંડ ભોગવવાનો વખત આવી શકે! બીજા જન્મમાં તેઓ દાનવ અથવા પ્રાણી-પશુ તરીકે જન્મ લે એવું પણ બને! આપણી પૌરાણિક કથાઓમાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે, જેમાં ઋષિમુનિઓનાં શ્રાપને પ્રતાપે દેવી-દેવતાઓ, ગાંધર્વો તેમજ અન્ય પવિત્રાત્માઓએ મનુષ્ય અવતાર અથવા પ્રાણી અવતાર ધારણ કરવો પડ્યો હોય!
નર્કલોક બાદ આપણા બ્રહ્માંડમાં પ્રવર્તતા લોકનો અંત આવી જાય છે. તમામ લોકની નીચે આવે છે, ગર્ભોદક સાગર! જેને બ્રહ્માંડનું મૂળ માનવામાં આવે છે. ગર્ભોદકશાયી વિષ્ણુ (મહાવિષ્ણુનું લઘુ સ્વરૂપ)અહીં અનંત શેષનાગની છત્ર હેઠળ નિદ્રા અવસ્થા ધારણ કરી સૃષ્ટિનું સંચાલન કરી રહ્યા છે. શેષનાગ પણ સૃષ્ટિનાં સર્જન અને વિનાશમાં મહત્વનો ફાળો ભજવે છે. અનંત ફેણ ધરાવતાં શેષનાગની પ્રત્યેક ફેણ પર દૈદિપ્યમાન તેજોમય મણિ સમગ્ર સૃષ્ટિને પ્રકાશમય કરે છે. પ્રત્યેક કલ્પને અંતે આવનારી રાત્રિ દરમિયાન ભગવાન બ્રહ્મા નિદ્રાધીન થાય છે. એ સમય દરમિયાન સૃષ્ટિનાં વિનાશની પ્રક્રિયાનો આરંભ થાય છે, જેમાં શેષનાગનાં અનંતફેણમાંથી ઉત્પન્ન થતું હળાહળ સમગ્ર બ્રહ્માંડના સર્જનનો નાશ નોતરે છે. ત્યારબાદ ભગવાન રૂદ્ર તાંડવ (નૃત્ય) શરૂ કરીને સૃષ્ટિનું વિસર્જન કરે છે.
અહીં એક પ્રશ્ન એ ઉદભવે કે, ગર્ભોદકશાયી વિષ્ણુ આ બધાની વચ્ચે કઈ ભૂમિકા ભજવે છે? સૃષ્ટિનાં સુચારુ સંચાલનની! દરેક લોકમાં થનારી પ્રવૃત્તિઓને ગર્ભોદકશાયી વિષ્ણુ નિહાળે છે, અલબત્ત તેઓ તેમાં દખલગીરી નથી કરતાં. સૃષ્ટિના સંચાલન માટે તેમણે દેવોને અલગ અલગ ભૂમિકા ફાળવી છે. જ્યારે દેવતાઓ પોતાના કાર્યને અંજામ નથી આપી શકતાં એ વખતે તેઓ ગર્ભોદકશાયી વિષ્ણુ પાસે જઈને યાચના કરે છે. આ સમય એટલે ભગવાન વિષ્ણુનો અવતાર ધારણ કરવાનો ગાળો! (હિરણ્કશિપુને હરાવવામાં દેવતાઓ જ્યારે નિષ્ફળ ગયા ત્યારે ભગવાન વિષ્ણુ પાસે જઈને મદદ માંગી. પરિણામસ્વરૂપ, નરસિંહ અવતારનું આગમન થયું અને સૃષ્ટિને વિકરાળ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળી!)
સમગ્રતાની વાત કરીએ તો, બ્રહ્માનું એક વર્ષ બરાબર ગર્ભોદકશાયી વિષ્ણુનાં જીવનનો સો (૧/૧૦૦)મો ભાગ! અને ગર્ભોદકશાયી વિષ્ણુનો સમગ્ર સંચાલનકાળ એટલે મહાવિષ્ણુનો એક શ્વાસ! મહાવિષ્ણુનાં એક શ્વાસ સાથે બ્રહ્માંડો સર્જાયા છે અને એક ઉચ્છવાસ સાથે એનો વિનાશ પણ થશે. વેદ-પુરાણો અને વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, આપણું બ્રહ્માંડ લગભગ ૧૩.૭ અબજ વર્ષ જૂનું છે! બિગ બેંગ થિયરી પણ આ બાબતનું સમર્થન કરે છે.
સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, સંકોચન અને વિસ્તરણની પ્રક્રિયા એટલે બિગ બેંગ થિયરી! વેદ-પુરાણોએ આપેલી થિયરી એટલે કે, મહાવિષ્ણુનાં રોમ-છિદ્રોમાંથી ઉદભવતાં બ્રહ્માંડો અને વૈજ્ઞાનિકોએ પૂરવાર કરેલી બિગ બેંગ થિયરીને સરખાવી જુઓ. આશ્ચર્ય થાય એટલી હદ્દે સામ્યતા મળી આવશે! તદુપરાંત, હિંદુ ધર્મ તો એમ પણ કહે છે કે, અવકાશમાં અગણિત બ્રહ્માંડોનું અસ્તિત્વ છે. આ વિષય પર હાલ વૈજ્ઞાનિકો પુષ્કળ ચર્ચા કરી રહ્યા છે. ઉંડાણપૂર્વક કરવામાં આવેલા અભ્યાસ અને એનાલિસીસ બાદ વિશ્વનાં ઘણા પ્રબુધ વૈજ્ઞાનિકોએ પેરેલલ ડાયમેન્શનમાં પુષ્કળ બ્રહ્માંડોની હાજરી હોવાની વાતને સ્વીકારી છે.
સ્ટીફન હોકિંગને અહીં કેવી રીતે વિસરી શકાય? અવકાશ વિજ્ઞાન પર લખાયેલી તેમની બુક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ’માં તેમણે મલ્ટીપલ યુનિવર્સ હોવાની થિયરીને સમર્થન આપ્યું છે. પુસ્તકમાં એમણે લખેલા વાક્યને અહીં ટાંકી રહ્યો છું : “એન્થ્રોપિક સિદ્ધાંતનાં આધારે એવું કહી શકાય કે ઘણા બધા બ્રહ્માંડો અથવા એક બ્રહ્માંડમાં જુદા-જુદા અગણિત પ્રદેશોનું અસ્તિત્વ છે. દરેકની પોતપોતાની શરૂઆતો છે અને પોતપોતાના વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે!” સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો, બિગ બેંગ ધમાકામાંથી એક બ્રહ્માંડનું ઉત્સર્જન થવું એના બદલે પુષ્કળ બ્રહ્માંડો અસ્તિત્વમાં આવ્યા હોવાની થિયરીને અહીં સ્વીકારવા જેવી છે. આપણા યોગી-ઋષિમુનિઓએ પોતાનાં તપોબળથી બ્રહ્માંડના રહસ્યો પરથી પડદો ઉઠાવીને આધુનિક વિજ્ઞાનનાં અસ્તિત્વમાં આવતાં પહેલા જ વેદ-પુરાણોમાં એને સાબિત કર્યા છે. વિજ્ઞાને ભલે બિગ બેંગ થિયરી આપી હોય, પરંતુ ઘણા પ્રશ્નો એવા છે જેનો એમને કોઇ જવાબ નથી મળ્યો. જેમકે, બિગ બેંગ ધમાકા પહેલા અવકાશમાં શું હતું? અગર અવકાશમાં કંઈ જ અસ્તિત્વમાં નહોતું તો પ્રચંડ ધમાકો થયો કેવી રીતે? એના માટેની ઉર્જા ક્યાંથી આવી?