ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ દેશના અમૃતકાળની ભવ્ય ઉજવણી કરવા ગીર સોમનાથ જિલ્લામાં પણ મેરી માટી, મેરા દેશ અભિયાનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેની સાથે સાથે સ્મારક પથ્થરની તકતી (શિલાફલકમ) દ્વારા માતૃભૂમિ માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીરોની વંદના પણ કરવામાં આવશે. આ જ રીતે મેરી માટી, મેરા દેશ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડા ગામના દિવ્યાંગ ચિત્રકાર વનેચંદભાઈ પણ શિલાફલકમની કામગીરીમાં હોંશપૂર્વક પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
નાનપણમાં જ એક ગોઝારા અકસ્માતમાં પોતાના બન્ને કાંડા ગૂમાવી ચૂકેલા પણ ક્યારેય હિંમત ન હારેલા ખત્રીવાડા ગામના શિયાળ વનેચંદભાઈ ધીરૂભાઈએ અભ્યાસમાં બીસીએ પૂરું કરેલું છે અને સાથે જ તેમને ચિત્રકળાનો શોખ છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની માતૃભૂમિની માટી અને વીર જવાનો પ્રત્યે મને આદર છે. આ અભિયાનનો ભાગ બની મને મારી ચિત્રકળાના માધ્યમથી પરોક્ષ રીતે દેશસેવા કરવાની ખુશી મળી છે. હું મારી આ કલાના માધ્યમ ચિત્રકામ થકીમાં ભોમની રક્ષા કાજે શહિદી વહોરનાર સપૂતોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.
- Advertisement -
સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ દિવ્યાંગલક્ષી યોજના થકી દિવ્યાંગજનોને સન્માન આપવાનું કાર્ય કર્યું છે. નોંધનીય છેકે, વનેચંદભાઈ સ્માર્ટ આંગણવાડીમાં પણ બાળકો માટેના રંગબેરંગી ચિત્ર દોરી પોતાની કલા દર્શાવી ચૂક્યા છે.