DDO જાડેજાના આદેશને પગલે તંત્રની કાર્યવાહી, મહેન્દ્રનગરનું જૂનું બસ સ્ટેન્ડ તોડી પડાયું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી જૂની પુરાણી મિલકતમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા દુર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજાએ જર્જરિત મકાનો દૂર કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો અને તાત્કાલિક ધોરણે આવા દબાણો તોડી પાડવા આદેશો છોડ્યા હતા ત્યારે મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં આવેલ જૂનું બસ સ્ટેન્ડ અતિ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ મળી હતી. આ અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેઓએ મોરબી તાલુકા વિકાસ અધિકારી દીપાબેન એચ. કોટકને સૂચના આપી તોડી પાડવા જણાવ્યું હતું.
- Advertisement -
આ ઉપરાંત મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સરવે નંબર 187 પૈકીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલા બીઆરસી ભવનની બાજુમાં તાલુકા પંચાયત મોરબીના જૂના જર્જરિત ક્વાર્ટર્સ આવેલા હોય જેમાં રીટાયર્ડ કર્મચારીઓના 3 પરિવારોના કુલ 11 સભ્યો ગેરકાયદેસર રહેતા હોવાનું સામે આવ્યું હતું જેના આધારે ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક દબાણ દૂર કરવા સુચના આપવામાં આવી હતી. આ સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારીએ ગેરકાયદેસર કબજો ધરાવતા પરિવારોને નોટીસો આપી કડક વલણ અપનાવી સાંજ સુધીમાં ગેરકાયદેસર કબજો દુર કરાવ્યો હતો અને અંદાજે 6000 ચો.મી.નું દબાણ દુર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે ગ્રામ પંચાયત ક્વાર્ટરમાં રહેણાકનું દબાણ તથા ગ્રામ પંચાયત હસ્તકના રિલાયન્સ દ્વારા બનાવી આપવામાં આવેલ હોલમાં રહેણાંક તેમજ અનાજ દળવાની ઘંટી બનાવીને દબાણ થયું હોવાનું ધ્યાને આવતા રિલાયન્સ દ્વારા બનાવી આપેલા હોલનું રહેણાંક દબાણ દૂર કરાવવામાં આવ્યું હતું. આમ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાએ ધ્યાને આવ્યાના 24 કલાકની અંદર જ તમામ દબાણો દૂર કરાવ્યાં હતા.