સાવજોના મોત: વનવિભાગે રેલવે પાસે રિપોર્ટ માંગ્યો
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લાં 15 દિવસમાં શેત્રુંજી અને ગીર પૂર્વ વિસ્તારમાં ટ્રેન હેઠળ કપાઈ જવાથી ત્રણ સિંહના મોતની ઘટના સામે આવ્યા બાદ વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. રેલ તંત્ર પાસે ઘટનાઓ અંગે રિપોર્ટ માંગીને આગામી દિવસમાં અકસ્માત ઘટે તે માટે કેવા પગલાં લેવા તે અંગે એક બેઠક યોજીને આ વિસ્તારમાં વોચ ટાવર, સુરક્ષા ચોકી અને ટ્રેકર્સની સંખ્યા વધારવા સહિતના પગલાં લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
ગત તારીખ 21 જુલાઈના રાતે રાજુલાના ઉચૈયા પાસે ગુડ્ઝ ટ્રેન હડફ્ટે બે નર સિંહ અને તારીખ 31 જુલાઈના રોજ સાવરકુંડલાના બોરાળા પાસે પેસેન્જર ટ્રેન હડફ્ટે 4 મહિનાના સિંહબાળનું ઠોકરે ચડી જતાં મોત નિપજ્યા હતા. આ ગંભીર ઘટનાઓ અંગે સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું કે, ભવિષ્યમાં આવા અકસ્માત ઓછા થાય તે માટે વન વિભાગ તરફ્થી પૂરતા પગલાં લેવામાં આવશે. તકેદારીના ભાગરૂપે વન વિભાગ દ્વારા આ ઘટનાઓ અંગે રેલવે ભાવનગરના અધિકારી સાથે વાતચીત કરીને પત્રથી પણ જાણ કરવામાં આવી છે અને રિપોર્ટ મંગાયો છે.
જે રિપોર્ટના આધારે આગામી દિવસોમાં વન વિભાગ અને રેલ વિભાગની એક બેઠકનું આયોજન થશે અને આ વિસ્તારમાં શું-શું કામગીરી થાય છે. વન વિભાગ પોતે વધુ સારી રીતે કામ કરી શકે અને અકસ્માત ઓછા થાય તે માટે કામ કરાશે. હજુ વધુ કામગીરી માટે રિપોર્ટ માંગી લીધો છે. તેના આધારે સ્ટાફ્ની વેકેનસી છે, તે બાબતે હાલ કોઈ ચર્ચા કરવાને બદલે અકસ્માત ઓછા થાય તે માટે રેલવે ટ્રેક આસપાસના વિસ્તારમાં વોચ ટાવર, પ્રોટેક્શન ચોકી અને જ્યાં જરૂર જણાય ત્યાં ટ્રેકર્સની સંખ્યા વધારવાની કામગીરી કરવાના છીએ. સાથે રિપોર્ટના આધારે એસઓપીમાં શું-શું સુધારા કરી શકાય તેના ઉપર કામગીરી કરવામાં આવશે.