-ચેસ વર્લ્ડ રેન્કીંગમાં હવે ગુકેશ પોતાના આદર્શ વિશ્વનાથન આનંદ કરતાં આગળ: ગુકેશ નવમા તો આનંદ દસમા ક્રમે
સગીર ગ્રાન્ડમાસ્ટર ડી.ગુકેશે ચેસ વર્લ્ડકપના બીજા રાઉન્ડમાં અઝરબેઝાનના મિસરાતદિન ઈસ્કાંદ્રોને હરાવ્યો હતો. આ સાથે જ ફિડે મતલબ કે ફેડરેશન ઈન્ટરનેશનલ ડેસ ઈચેક્સના લાઈવ વર્લ્ડ રેટિંગમાં પોતાના જ આદર્શન વિશ્વનાથન આનંદને પરાજય આપ્યો છે. હવે તે વર્લ્ડ રેન્કીંગમાં નવા ક્રમે પહોંચી ગયો છે જ્યારે વિશ્વનાથન તેના પછી દસમા ક્રમે છે. 17 વર્ષીય ગુકેશે બીજા રાઉન્ડના મુકાબલાની બીજી બાજીમાં અઝરબેઝાના ખેલાડીને 44 ચાલમાં પરાજિત કર્યો હતો.
- Advertisement -
ફિડેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ડી.ગુકેશ ફરી જીત્યો અને લાઈવ રેટિંગમાં વિશ્વનાથન આનંદ કરતાં આગળ નીકળી ગયો છે. 1 સપ્ટેમ્બરમાં જાહેર થનારા ફિડેના આગલા સત્તાવાર રેન્કીંગમાં હજુ 27 દિવસનો સમય બાકી છે પરંતુ એવી પૂરી સંભાવના છે કે 17 વર્ષીય ખેલાડી સૌથી વધુ રેટિંગવાળા ભારતીય ખેલાડીના રૂપમાં વર્લ્ડ રેન્કીંગના ટોપ-10માં જગ્યા બનાવશે.
આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે કોઈ નાની વયના ખેલાડીએ આનંદને પાછળ છોડ્યા હોય. આ પહેલાં 2016માં પી.હરિકૃષ્ણને આનંદને પાછળ છોડવામાં સફળતા હાંસલ કરી હતી પરંતુ તે વધુ સમય સુધી રેન્કીંગમાં વધુ ઉપર ટકી શક્યો ન્હોતો. ગુકેશને 2.5 રેટિંગ પોઈન્ટનો ફાયદો થયો અને તેનું લાઈવ રેટિંગ 2755.9 થઈ ગયું જ્યારે આનંદનું રેટિંગ 2754.0 છે. આ સાથે જ ગુકેશ લાઈવ રેન્કીંગમાં આનંદને પાછળ છોડીને નવમા ક્રમે પહોંચી ગયો હતો. જ્યારે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન આનંદ 10મા ક્રમે પહોંચ્યા છે.
ગુકેશ હવે આગલા રાઉન્ડમાં ભારતના એસ.એલ.નારાયણન સામે ટકરાશે. આ ઉપરાંત અન્ય ભારતીય ખેલાડીઓએ પણ ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. પુરુષ વર્ગમાં ગ્રાન્ડ માસ્ટર આર.પ્રજ્ઞાનાનંદા અને નિહાલ સરીને જીત મેળવી જ્યારે વિમેન્સ કેટેગરીમાં ડી.હરિકા અને આર.વૈશાલીએ આગળના રાઉન્ડમાં એન્ટ્રી મેળવી છે.