60 વર્ષથી રહેતા સામાન્ય પરિવારોએ ધારાસભ્યને સાથે રાખી કલેક્ટરને આવેદન પાઠવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના સામાકાંઠે સો ઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં છેલ્લા 60 વર્ષથી રહેતા 39 પરિવારોને અચાનક ઘર ખાલી કરવાની નોટિસ મળતા સામાન્ય પરિવારો ચોંકી ઉઠ્યા હતા જેમાં આ સામાન્ય પરિવારોને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ આવી હોવાનું કહી મકાનો ખાલી કરવાની પોલીસે નોટિસ ફટકારી હોવાથી સામાન્ય પરિવારોએ ધારાસભ્યને સાથે રાખીને કલેક્ટરને મકાનના પુરાવા સાથે રજૂઆત કરી હતી.
- Advertisement -
મોરબીના સામાકાંઠે સોઓરડી અંદર આવેલ રામદેવપીર મંદિરની બાજુમાં 60 વર્ષથી રહેતા 39 સામાન્ય પરિવારોને બી ડિવિઝન પોલીસ દ્વારા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. પોલીસે નોટિસમાં જણાવ્યું છે કે, આ મકાનો અને પ્લોટ ગેરકાયદે હોય લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હોવાનું કહીને મકાનો ખાલી કરવાની તાકીદ કરી છે. આથી આ સામાન્ય પરિવારોએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણીઓને સાથે રાખી અધિક કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે, ઉપરોક્ત જગ્યા ઉપર તેઓ 60 વર્ષથી રહે છે અને વર્ષ 1963 અને 1973 માં સનદથી પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેમાં કુલ 39 પ્લોટમાંથી 24 પ્લોટમાં મકાનો થયેલા છે અને 15 પ્લોટ ખુલ્લા છે. આ મકાનના પુરાવા રૂપે સનદ સીટી સર્વે રેકર્ડ, કરવેરા, લાઈટ બીલ પણ છે. 15 ખુલ્લા પ્લોટનો કોર્ટ દ્વારા તેમને સોંપવાનો પણ હુકમ થયો છે. આથી આ કલેક્ટર થકી પોલીસે આપેલી નોટિસને પરત ખેંચી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.