રિયલ ડાયમંડ જો પાંચ લાખનો હોય તો તેવો જ લેબમાં તૈયાર થયેલ ડાયમંડની કિંમત 20થી 40 હજાર રૂપિયા હોય છે
ખાસ-ખબર સંવાદદાતા
રિયલ ડાયમંડના વ્યવસાયમાં લગભગ 10 ટકાનું ગાબડુ જોવા મળી રહ્યું છે. ઈન્ડસ્ટ્રીનું કહેવુ છે કે, એપ્રિલ બાદ એકસપોર્ટમાં પણ 10 ટકાનો ઘટાડો થયો છે. ભારત ડાયમંડ વોર્સનાં પ્રેસિડેન્ટ મેહુલભાઈ શાહનું કહેવુ છે કે, આની પાછળ અમેરિકા યુરોપ અને ચીનમાં આર્થિક સુસ્તી, રશીયા પર પ્રતિબંધથી રફ ડાયમંડની સપ્લાયમાં ઘટાડો થવાનું મહત્વનું કારણ છે. આ સાથે જ લેબમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડનું બજાર ઝડપથી ઉભર્યુ છે તેની અસર પણ થઈ છે.
- Advertisement -
દાખલા તરીકે રિયલ ડાયમંડ જો પાંચ લાખ રૂપિયાનો હોય તો તેના જેવો દેખાતો લેબોરેટરીમાં તૈયાર થયેલો ડાયમંડ 20 થી 40 હજાર રૂપિયામાં મળી જાય છે. આ બજાર નવુ છે અને વધી રહ્યું છે. લેબ ગ્રોન ડાયમંડ (એલજીડી) લેબોરેટરીમાં બનાવવામાં આવે છે. તે માત્ર એકથી ચાર સપ્તાહમાં તૈયાર થઈ જાય છે.
આ ડાયમંડની બનાવટ, ચમક, કલર, કટીંગ, ડીઝાઈન નેચરલ હિરા જેવી જ હોય છે અને તેને સર્ટીફીકેટની સાથે વેચવામાં આવે છે. શાહે જણાવ્યું હતું કે રિયલ ડાયમંડની કિંમતો પણ થોડી નરમ થઈ છે. પરંતુ ક્રિસમસ સુધી બજારમાં ફરીથી તેજી આવવાની આશા છે.
જોકે જીજેસીનાં પૂર્વ ચેરમેન નીતિન ખંડેલવાલનું માનવુ છે કે, ગ્લોબલી હવે આજના સમયની પેઢી સગાઈની વીંટી માટે અસલ ડાયમંડથી દુર થઈ રહી છે. લેબમાં તૈયાર થઈ રહેલા ડાયમંડનું માર્કેટ 22 અબજ ડોલરનું છે અને ઈન્ડિયા પોતાની કારીગરી અને વેલ્યુ એડીશનથી આ બજાર પર પોતાનો દબદબો જમાવી શકે છે અને આજ થઈ રહ્યું છે ઘરેલુ ખપત અને ગ્લોબલ ખપતમાં ડબલ ડિઝીટનો ગ્રોથ નજરે પડી રહ્યો છે.