2024માં મોદી સરકારના સૌથી મોટા ચૂંટણી હથિયાર સામે સંઘ પરિવારમાંથી જ વિરોધનો સૂર: આદિવાસી સમાજની અલગ અલગ પરંપરાઓ તથા વિવિધતાઓને જાળવવી જરૂરી
નહીતર અનેક મુશ્કેલીઓ ઉભી થશે: વનવાસી કલ્યાણ પરિષદ સંચાલીત સંસ્થાનું સ્પીડબ્રેકર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના સમાન નાગરિકધારો (યુસીસી) લાગુ કરવા માટે તૈયારી થઈ રહી છે અને સંસદના ચોમાસુ સત્રમાં આ અંગે એક ખરડો પણ રજુ થાય તેવી શકયતા છે અથવા તો ભાજપ ટેસ્ટીંગ માટે પહેલા ઉતરાખંડ કે ગુજરાત જેવા રાજયમાં આ ખરડો લાગુ કરવાની પહેલ કરશે તે સમયે આરએસએસના સહયોગી સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા સમાન નાગરિકધારો લાગુ કરવામાં ઉતાવળ ન કરવા મોદી સરકારને સલાહ આપી છે.
ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જે રીતરિવાજો અને પરંપરા છે તે આ યુસીસીથી ખત્મ થઈ જાય તેવો ભય છે અને આગામી સમયમાં તે હિન્દી બેલ્ટના રાજયોની ચુંટણી આવી રહી છે તેમાં પણ વિશાળ આદિવાસી વિસ્તારો છે અને ત્યાં પણ ભાજપના ચિત્ર પર અવળી અસર પડી શકે તેમ છે તે સમયે જ ભાજપ દ્વારા જે વનવાસી કલ્યાણ પરિષદ ચલાવવામાં આવે છે તેના એક સંગઠન વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા લો કમિશનની ભલામણોને આગળ ધરીને કહેવાયું છે કે, આદિવાસી સમાજને તેમાંથી બાકાત રાખવો જરૂરી છે.
કારણ કે લો કમીશને આદિવાસી અને જનજાતિ સમુદાય જે શેડયુલ ટ્રાઈબ તરીકે ઓળખવામાં આવે છે તેના લગ્ન, છુટાછેડા દતક તેમજ વારસદાર સહિતની પ્રક્રિયા અત્યંત જટીલ છે અને અલગ અલગ સમુદાય અને વિસ્તારો મુજબ તે અલગ અલગ પ્રવર્તે છે અને તેથી યુસીસી લાગુ કરવામાં અત્યંત સાવધાની રાખવી જરૂરી છે તેમજ શકય હોય તો આદિવાસી સમાજને તેમાંથી બહાર રાખવા અથવા તો તેની સાથે સતત સંવાદ કરીને તેમની મુશ્કેલીઓને પણ સમજવા ભાજપને સલાહ આપી છે.