ગુજરાતમાં ત્રણ મહિનામાં 2447 નવજાત શિશુ અને 156 માતાના મૃત્યુ થયા
હજુ પણ રાજ્યમાં કુપોષિત બાળકો અને માતાની સ્થિતિ ચિંતાજનક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં 91 દિવસના સમય ગાળામાં 2447 નવજાત અને 156 માતાના મોત થયા છે. બીજી તરફ ગુજરાતના આરોગ્ય વિભાગના આંકડા મુજબ પહેલી એપ્રિલથી 30મી જૂન સુધી એનિમિયાની ગંભીર બીમારીથી પીડિત 2132 પ્રસૂતાના કેસ સામે આવે છે જ્યારે ઓછા વજન સાથે 27138 બાળકોનો જન્મ થયો છે. ત્રણ મહિનામાં 120328 કુપોષિત બાળકોનો જન્મ થયો છે. રાજ્યમાં વધારે પડતું ઓછું વજન, અતિ ઓછું વજન ધરાવતા અતિ કુપોષિત 24121 બાળકો છે.
સરકારના હેલ્થ મેનેજમેન્ટના ડેટા મુજબ છેલ્લા 91 દિવસમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 15, કચ્છમાં 11, બનાસકાંઠા અને દાહોદમાં 10, રાજકોટ શહેરમાં 9, વડોદરામાં 7, ભરૂચમાં 3 અને નર્મદામાં એક માતાનું પ્રસૂતિ વેળાએ મોત થયું છે. સૌથી વધુ 215 નવજાત શિશુના મોત દાહોદ જિલ્લામાં થયા છે, એ પછી અમદાવાદ શહેરમાં 199, બનાસકાંઠામાં 166, કચ્છમાં 165, મહેસાણામાં 142, આણંદમાં 113, સાબરકાંઠામાં 105, વડોદરામાં 73, વડોદરા શહેરમાં 30, સુરતમાં 46, સુરત શહેરમાં 58, ભરૂચમાં 69, અમદાવાદમાં 64 નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો નથી.
ગુજરાતમાં સરેરાશ 12 લાખ બાળકોના જન્મ સમયે 30 હજારથી વધુ બાળકોના મોત થાય છે, આજે પણ વર્ષે 30 હજાર જેટલા બાળકોનાં મોત થઈ રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 7.15 લાખ બાળકો કુપોષિત હોવાનું સરકાર કહે છે, અલબત્ત, કુપોષિત બાળકો અને મહિલાઓનો સર્વે થાય તો આંકડો અનેકગણો સામે આવે તેમ છે. આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સ્થિતિ ભયાનક છે, માત્ર એક વર્ષમાં દાહોદમાં કુપોષિત બાળકોની સંખ્યા 14191 છે જ્યારે નર્મદામાં આ આંકડો 12673 હોવાનું સામે આવ્યું છે. આ બંને જિલ્લામાં અતિ ઓછા વજન ધરાવતા બાળકોની સંખ્યા પણ સૌથી વધુ છે.