અમેરિકામાં 4.42 લાખ એચ-1 બી વર્કર્સમાંથી 73 ટકા ભારતીયો
ત્રણ વર્ષના વિઝા વધુ ત્રણ વર્ષ સુધી રિન્યૂની જોગવાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રાએ છે. બરાબર એ જ સમયમાં અમેરિકન સરકારે એચ-1 બી વિઝાની રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવાની જાહેરાત કરી છે. આ કેટેગરી ભારતના આઈટી પ્રોફેશ્ર્નલ્સમાં બેહદ પોપ્યુલર છે અને આ કેટેગરીના કુલ વિઝાધારકોમાંથી 73 ટકા ભારતીયો છે. એચ-1 બી વિઝા ધારકો હવે દેશમાં રહીને જ બીજા ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરી શકશે. અત્યારે એક વખત વિદેશયાત્રા કર્યા બાદ કે સ્વદેશ પાછા આવ્યા બાદ ફરીથી એચ-1 બી વિઝા માટે અરજી કરવાની જોગવાઈ છે.
પીએમ મોદીની અમેરિકન મુલાકાત વચ્ચે અમેરિકન સરકાર વિઝાનીતિમાં ફેરફાર કરશે એવી જાહેરાત થઈ છે. ખાસ તો સૌથી વધુ જે વિઝા લઈને ભારતીય આઈટી નિષ્ણાતો અમેરિકા જાય છે એ એચ-1 બી વિઝાની રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવાશે. વિદેશમાં કે સ્વદેશમાં ગયા વગર જ આ કેટેગરીના વિઝા રિન્યૂ કરવાની સવલત આપવામાં આવશે. અત્યારે આ પાયલટ પ્રોજેક્ટ હશે એટલે અમુક ભારતીયો સહિત વિદેશી નાગરિકોને આ સુવિધા આપવામાં આવશે. તે પછી મોટાપાયે તેનો લાભ મળતો થશે.
અમેરિકામાં 2022 પ્રમાણે 4,42,000 એચ-1 બી વિઝાધારકો છે. એમાંથી 73 ટકા તો ભારતીયો છે. દર વર્ષે અમેરિકન સરકાર આઈટી કંપનીઓને 65,000 એચ-1 બી વિઝા આપે છે. એટલે કે અમેરિકન ટેકનોલોજી કંપનીઓ આટલી સંખ્યામાં વિદેશી આઈટી પ્રોફેશ્ર્નલ્સને નોકરીમાં રાખી શકે છે. એમાં ભારતની અમેરિકામાં કામ કરતી ટીસીએ અને ઈન્ફોસિસ ઉપરાંત ગૂગલ, ફેસબુક, એમેઝોન અને માઈક્રોસોફ્ટ મુખ્ય છે. આ વિઝા ત્રણ વર્ષ માટે મળે છે અને તે પછી ફરીથી ત્રણ વર્ષ માટે રિન્યૂ થાય છે. પરંતુ તે માટે એક વખત સ્વદેશ આવી જવું પડે છે અથવા બીજા દેશમાં જઈને ફરીથી અરજી કરવાની રહે છે. નવી જોગવાઈ પ્રમાણે અત્યારે એચ-1 બી વિઝા લઈને કાર્યરત આઈટી પ્રોફેશ્ર્નલ્સ પણ ફરીથી વિદેશમાં કે સ્વદેશ પાછા ફર્યા વગર અરજી કરીને ત્રણ વર્ષ માટે વિઝા રિન્યૂ કરાવી શકાશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ગયા વર્ષે 1.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આટલી મોટી સંખ્યામાં અમેરિકાએ પહેલી વખત કોઈ દેશના વિદ્યાર્થીઓને સ્ટડી માટે વિઝા આપ્યા હતા. ભારત સરકારે અમેરિકન અધિકારીઓ સામે ભારતીયોને વિઝા મેળવવામાં પડતી મુશ્ર્કેલી બાબતે અવારનવાર રજૂઆતો કરી છે. અત્યારે અમેરિકાની ટેકનોલોજી ક્ષેત્રની કંપનીઓમાં છટણીનો દૌર ચાલ્યો હોવાથી અસંખ્ય આઈટી નિષ્ણાતોને 60 દિવસમાં બીજી નોકરી શોધવાની ફરજ પડી છે અથવા તો સ્વદેશ પાછા ફરવું પડશે. તે બાબતે પણ ભારતના વિદેશ મંત્રાલયે રજૂઆત કરી હતી.