18 ગજરાજ, 101 ટ્રક અને 30 અખાડા જોડાશે, 1200 ખલાસી રથ ખેંચશે
ખાસ-ખબર સંવાદદાતા
ભગવાન જગન્નાથના મંદિરમાં આગામી તારીખે 20 જૂનના રોજ ભગવાન જગદીશની 146મી રથયાત્રા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અષાઢ સુદ બીજના દિવસે મંગળવારે સવારે 4 વાગ્યે મંગળા આરતી મહાભોગ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરાવશે. આ પછી ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થશે. તારીખ 20 જૂને યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ બાજાવાળા જોડાશે.
- Advertisement -
આ ઉપરાંત સાધુસંતો અને ભક્તો સાથે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રાના રૂટમાં 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચાશે અને 2 લાખ ઉપરણા અપાશે.
અષાઢી સુદ બીજના દિવસે મંગળવારે સવારે 3.45 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવાની વિધિ કરવામાં આવશે અને 4 વાગ્યે ભગવાનની મંગળા આરતી યોજાશે. 4.30 વાગ્યે ખીચડીનો ભોગ ધરાવવામાં આવશે. ભગવાનની મંગળા આરતીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે અને અતિથિ વિશેષ તરીકે ૠજઈ બેંકના ચેરમેન અજય પટેલ હાજર રહેશે. ત્યારબાદ સવારે 6 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. 7.05 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદવિધિ કરી ભગવાનની રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવશે.