રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ સાવચેતીના પગલાં અંગે સમીક્ષા બેઠક યોજશે
ખાસ-ખબર સંવાદદાતા
હવામાન વિભાગની આગાહી અનુસાર ’બિપોરજોય’ વાવાઝોડું આગામી તા. 14 અને 15નાં રોજ સૌરાષ્ટ્ર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલથી જ રાજકોટ શહેરમાં વાવાઝોડાની અસરે ભારે પવન ફૂંકાવા લાગ્યો હોવાથી મનપા તંત્ર એલર્ટ થયું છે. અને શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા મોટા અને ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે. આવા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડતા જાનહાની થવાની શક્યતાઓ હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
આજરોજ વહેલી સવારથી મનપાની જગ્યા રોકાણ અને દબાણ હટાવ શાખાની જુદી-જુદી ટીમો શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, અતિથિ ચોક, પર્ણફૂટી સોસા., રાજનગર ચોક તેમજ મવડી રોડ સહિતના વિસ્તારોમાં ફરી રહી છે. તેમજ કોઈપણ સ્થળે મોટા કે ભયજનક હોર્ડિંગ્સ જોવા મળે તેને હટાવવામાં આવી રહ્યા છે. બપોર સુધીમાં મનપા દ્વારા 500 કરતા વધુ હોર્ડિંગ્સ અને બેનરો હટાવવામાં આવ્યા છે. આ કામગીરી દિવસભર ચાલુ રાખવામાં આવનાર છે. જેમાં વેપારીઓએ દુકાન બહાર લગાવેલા મોટા બેનરો હટાવી લેવાની સૂચના પણ આપવામાં આવી રહી છે.
તમામ તાલુકા-શહેરના સ્થળાંતર પાત્ર લોકોના વિસ્તારો, સંખ્યા અને તે મુજબ આશ્રય સ્થાનોની વ્યવસ્થા બાબતે કલેક્ટર દ્વારા સૂચના આપી 800 ઉપરાંત શાળાઓ અને 300 ઉપરાંત સમાજવાડીઓની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે. હાલ સુધીમાં નડતરરૂપ અથવા જોખમી બની શકે તેવા 960 જેટલા હોર્ડિંગ અને બેનર્સ દૂર કરવામાં આવ્યા છે. જિલ્લાના તમામ પી.એચ.સી., સી.એચ.સી કેન્દ્રો તથા હોસ્પિટલોને તમામ જરૂરી સાધનો, દવાઓ સાથે તૈયાર રહેવામાં જણાવ્યું છે. નોંધનીય છે કે, બિપોરજોય વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રનાં તમામ બંદરો પર 9 નંબરનાં સિગ્નલ લગાવવામાં આવ્યા છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.
દરિયાકિનારા વિનાના રાજકોટ જેવા શહેરોમાં પણ વાવાઝોડાને કારણે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા પણ હવામાન વિભાગે દર્શાવી છે. જેને લઈને કલેક્ટર તંત્ર દ્વારા શહેર-જિલ્લાના લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. તેમજ મનપા તંત્ર દ્વારા પણ જોખમી હોર્ડિંગ્સ હટાવવા અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા જેવી કામગીરી હાથ ધરાઈ છે.
- Advertisement -
રાજકોટ એરપોર્ટ પર બે હેલિકોપ્ટર સ્ટેન્ડબાય રખાયા
બિપરજોય વાવાઝોડના પગલે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં પણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર આવી ચૂક્યા છે. જે 15 જૂન સુધી રાજકોટમાં સ્ટેન્ડ બાય રહેશે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ટકરાય અને ભારે વરસાદ કે વાવાઝોડામાં કોઈ ફસાય તો રાહત બચાવ માટે હેલિકોપ્ટર ત્યાં પહોંચી જશે.