ભારતીય હૉકી ટીમે જુનિયર વિમેન્સ એશિયા કપના ફાઈનલમાં ચાર વખતની ચેમ્પિયન દક્ષિણ કોરિયાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ફાઈનલ મુકાબલામાં ભારતીય ટીમે દક્ષિણ કોરિયાને 2-1થી હરાવીને પહેલી વખત એશિયા કપનો ખીતાબ પોતાના નામે કર્યો છે.
આ પહેલાં સેમિફાઈનલમાં જીત સાથે જ ભારતીય ટીમ જુનિયર વર્લ્ડકપ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ હતી. જુનિયર વર્લ્ડકપ આ વર્ષે 29 નવેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે ચિલીમાં આયોજિત થશે.
- Advertisement -
જાપાનના કાકામીગહારા શહેરમાં આયોજિત આ ટૂર્નામેન્ટના ફાઈનલ મુકાબલામાં ભારત-કોરિયા પ્રથમ હાફમાં બરાબરી પર રહી હતી. બન્ને ટીમોએ પ્રથમ હાફમાં એક-એક ગોલ કર્યો હતો. ભારત માટે પહેલો ગોલ અન્નૂ અને બીજો ગોલ નીલમે કર્યો હતો. જ્યારે કોરિયા વતી એકમાત્ર ગોલ પાર્ક સેયોને કર્યો હતો.
આ પહેલાં ભારતીય ટીમે લીગ મુકાબલામાં પોઈન્ટ ટેબલમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો. લીગમાં રમાયેલી ચારમાંથી ત્રણ મેચ ભારતે જીતી હતી જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે લીગમાં પોતાના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનને 22-0થી હરાવ્યું હતું. જ્યારે બીજા મુકાબલામાં મલેશિયાને 2-1થી પરાજય આપ્યો હતો. આવી જ રીતે ત્રીજા મુકાબલામાં કોરિયા સાથે ડ્રો રમી હતી તો અંતિમ લીગ મેચમાં ચીનને 11-0થી હરાવ્યું હતું.
આ ટૂર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય ટીમ સાથે જ અન્ય ચાર ટીમોને તેના વર્લ્ડ રેન્કીંગના આધારે અન્ડર-21 હૉકી ટૂર્નામેન્ટમાં સીધો પ્રવેશ મળ્યો હતો જેમાં ચીન, કોરિયા, જાપાન અને મલેશિયાની ટીમ સામેલ હતી. બાકીની પાંચ ટીમો કઝાકિસ્તાન, હોંગકોંગ, ચીની તાઈપે, ઉઝબેકિસ્તાન અને ઈન્ડોનેશિયાએ પાછલા વર્ષે ઑક્ટોબરમાં કઝાકિસ્તાનમાં આયોજિત મહિલા જુનિયર કપ દ્વારા આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યું હતું.
- Advertisement -