રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે, જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા થયાના એક દિવસ બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધીને હવે સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી છે. આ મામલાને લઈ કોંગ્રેસ કાર્યકર્તા રાહુલના સમર્થનમાં સંસદથી લઈ સડક સુધી પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ સત્તાધારી ભાજપે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાને કહ્યું, નરેન્દ્ર મોદીની ઈમેજ પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધી વિદેશમાં, દેશમાં અને સંસદમાં જૂઠ બોલ્યા. સંસદમાં રાહુલ ગાંધીનું જુઠ્ઠાણું આખા દેશે સાંભળ્યું. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગે છે અને નાટક કરી રહ્યા છે. તેમણે પોતાના નિવેદનોથી ઘઇઈ સમુદાયનું અપમાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતા પહેલા જ આ વાત કહી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે. જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે. રાહુલ ગાંધીએ 4 મે, 2019ના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદીની ઈમેજ પર પ્રહાર કરતા રહેશે, પરંતુ તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઓછો કરી શક્યા નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનું અપમાન કરતી વખતે રાહુલે સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કરવાનું યોગ્ય માન્યું.