બ્રિટનમાં સૌથી વધુ 77.7 ટકા શીખો પાસે ઘરનું ઘર
ઇંગ્લેન્ડ અને વેલ્સની વસતી ગણતરીનાં બહાર આવેલા તારણો
ખાસ-ખબર સંવાદદાતા
ઇંગ્લેન્ડ અને વેલ્સની વસતી ગણતરીમાં સ્પષ્ટતા થઇ છે કે બ્રિટનમાં રહેતા તમામ ધર્મના લોકોમાં હિંદુ સમુદાયના લોકો સૌથી તંદુરસ્ત અને યોગ્ય છે. આટલું જ નહીં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં થયેલી વસતીગણતરીના આંકડા મુજબ બ્રિટનમાં રહેતા લોકોમાં શીખ સમુદાયના લોકો પાસે ઘર હોવાની સંભાવના સૌથી વધુ છે. બ્રિટનના રાષ્ટ્રીય અંક કાર્યાલય (ઓએનએસ) દ્વારા આ સપ્તાહમાં જારી થયેલા નવા અહેવાલ ’રિલિજીયન બાય હાઉસિંગ, હેલ્થ, એમ્પ્લોયમેન્ટ એન્ડ એજ્યુકેશન’માં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ બ્રિટનના ઓએનએસ કાર્યાલય દ્વારા માર્ચ 2021માં થયેલી ઓનલાઇન વસતી ગણતરીની પ્રતિક્રિયાઓ આધારે દેશની વસતી માટે વિવિધ કક્ષામાં જાણકારી જારી કરવા માટે ઉપલબ્ધ આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તે વિશ્લેષણ આધારે નવો અહેવાલ બહાર પડયો છે. ઓએનએસના ધ્યાને આવ્યું છે કે બ્રિટનમાં વસી રહેલા ધાર્મિક સમૂહોના વાસ્તવિક જીવન સ્તરમાં ખૂબ જ વૈવિધ્ય છે. વર્ષ 2021માં સમગ્ર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વસતી ગણતરી કરવામાં આવી હતી. વસતી ગણતરીમાં 2.4 કરોડથી વધુ કુટુંબોએ ભાગ લીધો હતો. આ પહેલાં થયેલા તે હકીકત સામે આવી હતી કે બ્રિટનમાં ખ્રિસ્તી સમુદાયની વસતી પહેલી જ વાર અડધોઅડધ વસતીથી પણ નીચેના સ્તરે જતી રહી છે. બીજી તરફ હિંદુ, મુસ્લિમ અને શીખોની વસતીમાં સાધારણ વધારો નોંધાયો છે. બ્રિટનમાં થયેલા વિશ્લેષણમાં સામે આવ્યું છે કે 2021માં કુલ વસતીના 82 ટકાની તંદુરસ્તી સારી છે તો તેની તુલનામાં 87.8 ટકા હિંદુઓની તંદુરસ્તી સારી કે ખૂબ જ સારી છે. હિંદુઓમાં દિવ્યાંગતાનું પ્રમાણ સૌથી ઓછું 8.8 ટકા છે. શીખમાં 10.8 તો મુસ્લિમમાં આ પ્રમાણ 11.3 ટકા છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં દિવ્યાંગતાના રહેલા 17.5 ટકાના પ્રમાણ ઉપરના સમુદાયોમાં દિવ્યાંગતાનું પ્રમાણ ઓછું છે.અહેવાલમાં સામે આવ્યું છે કે ઓએનએસે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું છે કે બ્રિટનમાં રહેનારા લોકોમાં જેમનું ઘરનું ઘર હોય તેવા લોકોમાં શીખ સમુદાયના લોકો સૌથી આગળ છે. અહીં રહેતા 77.7 ટકા શીખો પાસે ઘરનું ઘર છે.
બ્રિટનમાં હિન્દુ લોકો સૌથી તંદુરસ્ત !
