ગુજરાત સહિત દેશના અનેકવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન કરવટ બદલી રહ્યું છે ત્યારે ઉતરાખંડના કેટલાંક ભાગોમાં નવેસરથી હિમવર્ષા થતા બદ્રીનાથ તથા કેદારનાથ આસપાસ ચારેકોર બરફની ચાદર પથરાઈ ગઈ છે અને ગંગોત્રી હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે.
ઉતરકાશીમાં ગંગોત્રી રાષ્ટ્રીય હાઈવે બરફવર્ષાને કારણે બંધ કરાયો હતો. સોનગાડથી ગંગોત્રી સુધીના 40 કિલોમીટરના ક્ષેત્રમાં અવરોધ સર્જાયો હતો. બરફ હટાવીને માર્ગ ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે પણ ઉંચા પર્વતીય ભાગોમાં હિમવર્ષા થવાની આગાહી કરવામાં આવી છે. દહેરાદૂન-મસુરી આસપાસ પણ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
- Advertisement -
ઉતરાખંડ પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રીય થવાને પગલે વાતાવરણ વાદળીયુ બન્યુ હતું. કેટલાક ભાગોમાં કાળાડીબાંગ વાદળો છવાયા હતા. બદ્રીનાથ, કેદારનાથ, ઔલી, હેમકુંડ સાહિબ, પિથૌરાગઢમાં હિમવર્ષા થઈ હતી જેને પગલે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. રૂદ્રપ્રયાગના અમુક ભાગોમાં સામાન્ય હિમસ્ખલન થયુ હતું.