રાજસ્થાની પથ્થરોથી બનેલા મંદિરનો પ્રવેશ દ્વાર ભવ્ય બનવો જોઈએ તે સ્વાભાવિક
પ્રવેશ દ્વારનાં બાંધકામમાં ફ્લાયએશની અતિ હલકી ગુણવત્તાની સસ્તી ઈંટો વપરાઈ રહી છે
- Advertisement -
બુધાભા ભાટી દ્વારા બેટ-દ્વારકાથી વિશ્વ વિખ્યાત ભગવાન દ્વારકાધીશનું ઘર-રાણી વાસ એટલે બેટ-દ્વારકા. અહીં દ્વારકાધીશનું ભવ્ય અને અલૌકિક મંદિર આવેલું છે જયાં લાખો ભકતો દર્શને આવે છે. 2001નાં ભૂકંપમાં મંદિર સંકુલને ખુબ મોટુ નુકસાન થયું ત્યારે સરકારે આ મંદિર પુનરોધ્ધાર માટે કરોડોની ગ્રાન્ટ આપી. છેલ્લા 22 વર્ષથી મંદિર સંકુલનાં બાંધકામનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ છે ! આટલા વર્ષો બાદ પણ મંદિરનાં પ્રવેશ દ્વારનું કામ થયું ન હતું ત્યારે વારંવાર મીડિયામાં સમાચાર આવતા આખરે બે માસ પહેલા જુનો પ્રવેશદ્વાર પાડીને નવા પ્રવેશ દ્વારનું નિર્માણ કાર્ય ચાલુ થયું. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, આ પ્રવેશ દ્વાર ફ્લાયએશની સિમેન્ટ કે જે હલકી ગુણવત્તાની છે તેનાથી બનાવવામાં આવી રહ્યો છે. જે માત્ર 25 રૂપિયાની આવે છે જ્યારે બેલા 60ના આવે છે આ કાર્ય બેટ-દ્વારકા મંદિર દેવસ્થાન સમિતિની દેખરેખ હેઠળ ચાલતું હોઈ સમીર અને દિનેશની જોડીની લાળ ટપકાવાની લાલચ ગઈ નહીં !
નિજ મંદિરનું વર્ષોથી બાંધકામ ચાલુ છે અને લાલ પથ્થરમાં નકશી કામ કરીને કામ કરેલું છે. ત્યારે તેનો પ્રવેશ દ્વાર પણ મજબુત આકર્ષક અને ભવ્ય બનવો જોઈએ તે સ્વાભાવિક બાબત કહી શકાય પરંતુ અહીં ભ્રષ્ટાચારનો એરૂ ફેણ ચડાવીને બેઠો જ છે ! પ્રવેશ દ્વારનાં બાંધકામમાં અતિ હલકી ગુણવતા વાળી ફલાય યેશની સસ્તી ઈંટો વપરાઈ રહી છે.
સમીર, દિનેશ અને કોન્ટ્રાકટરની મિલીભગત?
મંદિર દેવસ્થાન સમિતિ પર યાત્રિકો તરફથી વિવિધ રીતે મળતી ભેટ- સોગાદ, રોકડ ઉપરાંત સરકારી ફંડના હિસાબ કિતાબની જવાબદારી છે. આ જવાબદારી સંભાળવામાં આખા બેટમાં દિનેશ બદિયાણીનું નામ પ્રખ્યાત છે. આ દિનેશ મંદિર સમિતિ ઉપરાંત અન્નક્ષેત્ર, ગૌશાળા, હનુમાન દાંડી અને ડઝનબધ્ધ પદો ઉપર જવાબદારી નિભાવી રહ્યા છે. ચબરાક, ચતુર,ચપળ, ભલભલાને પોતાની ચાલમાં લઈ મન ગમતું કરાવવામાં દિનેશ આખા બેટ ગામમાં સફળ રહ્યો છે. ઓછામાં પુરુ સમીર પટેલ જેવો સંગાથી મળી જતા જાણે “ઊંટ હતી ને ઉકરડે ચડી” જેવો બેડોળ ઘાટ ઘડાયો છે. બેટ ગામમાં થતી ચર્ચા મુજબ વર્ષોથી જે મંદિરનું કામ ચાલુ છે તેમાં ઘણા કોન્ટ્રાકટર અને ઈજનેર બદલાઈ ગયા છે.
- Advertisement -
ફ્લાયએશની ઈંટોનો ભાવ રૂપિયા 25 જ્યારે બેલાના ભાવ 60 રૂપિયા
દેવ સ્થાન સમિતિના ઉપાધ્યક્ષ સમીર પટેલ અને ક્લાર્ક દિનેશ બદિયાણી પોતાની મેલી મુરાદ પુરી કરી રહ્યા છે: બેટ-દ્વારકા મંદિર પરિસરમાં ગંદકી, કુતરાં, ઢોર અને અવ્યવસ્થા યથાવત
જ્યાં વર્ષ લાખો યાત્રિકોની અવર જવર થાય અને વૈભવી, ભવ્ય અને સુંદર મંદિરનાં પ્રવેશ દ્વારને જાણી જોઈને શા માટે નબળું બનાવાઈ રહ્યુ છે તે બેટ ગામનાં આગેવાનો પુછી રહ્યા છે ! 6 માસ પૂર્વે “ખાસ ખબર” એ સનાતનીઓનાં આસ્થાનાં કેન્દ્ર એવા બેટ-દ્વારકા શ્રી દ્વારકાધીશ મંદિરમાં મંદિર દેવ સ્થાન સમિતિનાં ઉપાધ્યક્ષ સમીર પટેલ અને કારકૂન દિનેશ બદિયાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી કેવા કેવા પ્રપંચ રચાયા તેની વાસ્તવિક વિગતો પ્રસ્તુત કરી હતી. મંદિર પરિસરમાં ગંદકી, ઢોરનાં મળમૂત્ર, કુતરા અને તમામ અવ્યવસ્થા અરાજકતાનો ચિતાર રજુ કર્યો હતો. મંદિરે આવનારા લાખો યાત્રિકોને પીવાનાં પાણી, શૌચાલય, બેસવાની કે આરામ કરવાની કોઈ જ વ્યવસ્થા નથી. મંદિરનાં આગળનાં ભાગે મોબાઈલ સામાન સાચવવાનાં પૈસાની દુકાન ધમધમે છે. ગાયોનાં નામે ફંડ ફાળો આપવા માટે વિનંતિનાં પાટીયા લટકી રહ્યા છે ! ગુજરાત અને બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે દેવસ્થાન સમિતિએ વર્ષોથી કોઈ સવલત ઉભી જ કરી નથી.
“બેટ-દ્વારકા ધર્મ રક્ષા સમિતિ” ઉપવાસ આંદોલન કરશે
ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિભરી નીતિઓના વિરોધમાં અને લઠ્ઠાકાંડમાં જેનું નામ છે તેવા સમિતિનાં ઉપાધ્યક્ષ સમીર પટેલને હોદ્દા પરથી હાંકી કાઢવા દ્વારકા પ્રાંત અધિકારીની કચેરીએ ઉપવાસ આંદોલન આરંભ કરશે. બેટ દ્રારકા ધર્મ રક્ષા સમિતિએ કેન્દ્ર અને રાજયની સરકારોના જવાબદારો ઉપરાંત સરકારી અધિકારીઓને આવેદન પત્ર આપીને બેટ મંદિરમાં ચાલતી લાલીયાવાળી, ગેરવહીવટ અને અયોગ્ય લોકોનાં હાથમાં સતા લઈ લેવા વિનંતી કરેલી હતી. આવેદન પત્રનાં જવાબમાં ચેરીટી કમિશનરની અને રાજયપાલની કચેરીએથી યોગ્ય કરવા જે તે વિભાગોને જણાવવાનો પ્રત્યુતરપત્ર પણ રક્ષા સમિતિને 5 મહિના પહેલા મળ્યો છે પરંતુ હજુ સમીર પટેલ કે જેનું નામ નિર્દોષ લોકોનાં જીવ લેવાવાળા લઠ્ઠાકાંડમાં આવ્યો હોવા છતા હિન્દુવાદી ધમેને માનનારી-જાણનારી સરકારનાં કોઈ પદાધિકારી કે સતાધિકારી સતાથી દૂર કરી શકેલ નથી. વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, રાજકીય અગ્રણીઓ અને પ્રજાને સાથે રાખીને ઉપવાસ આંદોલન શરૂ કરશે તેમ સમિતિના પ્રમુખ અજય રાઠોડે ચિમકી આપી છે.
ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવાની “ખાસ-ખબર”ની લડત ચાલુ જ રહેશે
કોઈ પણ ચમરબંધી ખોટી પ્રવૃતિ, ભ્રષ્ટાચાર કે પાપાચારમાં સામેલ હોય તો તેને ખુલો પાડવા “ખાસ ખબર” હંમેશા અગ્રેસર રહે છે. બેટ-દ્વારકા મંદિર બહાર અને અંદર દેવસ્થાન સમિતિનાં હોદેદારો દ્વારા જે ખોટી પ્રવૃતિઓ થઈ રહી છે અને સનાતન હિન્દુ ધર્મના પવિત્ર તીર્ષ ક્ષેત્રને ગંદકી અને અવ્યવસ્થાથી બદનામ કરવાની હલકી કક્ષાની રમ્મત રમાઈ રહી છે તે સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય ત્યાં સુધી “ખાસ ખબર” અખબારી ધમેનો માગે લઈને લડત યથાવત રાખશે.
દેવસ્થાન સમિતિનાં અન્ય ટ્રસ્ટીઓનું ભ્રષ્ટાચાર મામલે મૌન
હાલ આ ચાર ટ્રસ્ટીઓમા હેમુભા વાઢેર, ધનજી પટેલ, સોની અને લોહાણા પોતાના પદો શોભાવી રહ્યા છે. સ્થાનિક હોવા છતા મંદિરના ગેરવહીવટ અંગે કોઈ બોલવા તૈયાર નથી! શું આ ચાર ટ્રસ્ટીઓ ને મંદિરમાં અંદર બહાર જે ગંદકી, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થઈ રહ્યો છે તે દેખાતો નહીં હોય?
બેટ-દ્વારકા મંદિરનાં પ્રવેશદ્વારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…