દેશમાં કોરોના વાયરસ રિટર્ન્સ થયો હોય તેવી રીતે ફરીથી રફ્તાર પકડી લીધી છે. મહારાષ્ટ્રના 34 જિલ્લાઓમાં નવા દર્દી મળ્યા છે તો દિલ્હી અને કેરળની હાલત પણ ખરાબ થવા લાગી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14199 નવા દર્દી નોંધાયા છે ત્યારે કુલ કેસના અડધોઅડધ કેસ મહારાષ્ટ્રમાં જ જોવા મળતાં સરકારની ચિંતામાં બમણો વધારો થવા પામ્યો છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 7 હજારથી વધુ દર્દી એકલા મહારાષ્ટ્રમાંથી મળ્યા છે. જ્યારે 24 કલાકમાં 9695 દર્દી સાજા થયા છે તો 83 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધી 1,10,05,850 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
કોરોનાથી અત્યાર સુધીમાં 1,56,385 લોકોના જીવ ગયા છે તો અત્યાર સુધી 1,06,99,410 લોકો વાયરસને હરાવી ચૂક્યા છે. અત્યારે દેશના 1,50,055 દર્દીઓની સારવાર ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસે ઉદ્ધવ ઠાકરે સરકારની ચિંતા વધારી દીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજથી રાજ્યમાં ભીડભાડવાળા તમામ રાજકીય-ધાર્મિક કાર્યક્રમો ઉપર પ્રતિબંધ જાહેર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર જો સ્થિતિ નહીં સુધરે તો રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરાશે.
- Advertisement -
આ સાથે જ કોરોનાના વધી રહેલા કેસને કારણે ભારત ફરી એક વખત દુનિયાના એ 15 દેશોની યાદીમાં સામેલ થઈ ગયું છે જ્યાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ છે. ભારત આ યાદીમાં 15મા નંબરે આવ્યું છે. 30 જાન્યુઆરીએ પોર્ટુકલ, ઈન્ડોનેશિયા અને આયર્લેન્ડને પાછળ છોડીને ભારત 17મા ક્રમે પહોંચ્યું હતું.
મહારાષ્ટ્ર ઉપરાંત કેરળની હાલત પણ બગડી રહી હોય તેવી રીતે 24 કલાકમાં 4070 નવા કેસ મળ્યા છે તો 15 લોકોના મોત નિપજ્યા છે. કેરળના 4345 લોકો 24 કલાક દરમિયાન સાજા પણ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં કુલ કેસનો આંકડો 10,34,658 થવા પામ્યો છે. જ્યારે દિલ્હીમાં પણ સ્થિતિ બગડી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે તો મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન 299 નવા કેસ મળ્યા હતા તો 4 લાખ લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે જ અહીં કુલ કેસની સંખ્યા 2,59,427 થઈ જવા પામી છે.