રાત્રે 1 વાગ્યા સુધી રહેવાસીઓને પડતી હાલાકી
અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા પગલાં ભરવામાં વિલંબ: મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે?
તંત્ર-ટ્રાફિક શાખાના ભ્રષ્ટ અધિકારીઓ સાથે રવિવારી બજારીયાઓની મિલીભગત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હજારો કિ.મી.ના રસ્તામાં લોકોને ચાલવા માટે માંડ 183 કિ.મી.ની ફૂટપાથ છે તેમાં પણ મોટાભાગની ફૂટપાથો પર રેંકડી, કેબીન, શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ વેંચનાર દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનના યાજ્ઞિક રોડ પર આવી જ રવિવારની રાત્રી બજાર ફેરીયાઓ દ્વારા નિર્માણ કરવામાં આવી છે ત્યારે રવિવારની રાત્રિ હોવાથી લોકો હોટલ, રેસ્ટોરન્ટમાં જમવા અને અમુક શહેરીજનો ફરવા માટે નીકળતા હોવાથી યાજ્ઞિક રોડ પર વાહનોની કતારો લાગે છે. ફેરિયાઓ દ્વારા ફૂટપાથ સહિત રોડ પર પોતાનો સામાન રાખીને વેંચાણ કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ રાજકોટ મનપાના દબાણ શાખા કે રાજકોટ ટ્રાફિક પોલીસને ધ્યાનમાં આવતું નથી કે ધ્યાન દેવામાં આવતું નથી? તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. દબાણકારો દ્વારા ફૂટપાથ અને રોડ પર કબ્જો કરતાં રાહદારીઓને- નાના બાળકોને પસાર થવું દુષ્કર બની ગયું છે. અહીં કોઈ મોટો અકસ્માત થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દબાણો સાથે દબાણ શાખા અને પોલીસની સાંઠગાંઠ હોય તેમ કોઈ નક્કર કામગીરી થતી નથી. આ દબાણ દૂર કરવામાં અધિકારીઓ તથા પદાધિકારીઓને જાણે રસ ન હોય તેમ ત્યાંથી પસાર થતાં હોવા છતાં આંખ મિંચામણા કરવામાં આવે છે.