ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ મોરબીના ખરાબ રોડ મામલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય તંત્ર પર પસ્તાળ પડ્યા બાદ રોડના કામો શરૂ કરવામાં આવ્યા છે જેમાં આર એન્ડ બી વિભાગ હસ્તકના શનાળા બાયપાસથી સામાકાંઠાના નટરાજ ફાટક સુધી 2 કરોડના ખર્ચે ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબીમાં ઘણા સમયથી મુખ્ય માર્ગોની હાલત ખરાબ હોય લોકોને ભારે હાલાકીનો સમાનો કરવો પડતો હોય અને આ ખરાબ રોડ મુદ્દે તંત્ર અને સરકાર પર પસ્તાળ પડ્યા બાદ હવે રોડના કામ હાથ ઉપર લેવામાં આવ્યા છે. ખાસ કરીને શહેરના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ખરાબ થયેલા રોડને નવા ડામર રોડ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં આર એન્ડ બી વિભાગ હસ્તકના શહેરની વચ્ચોવચ નીકળતા મોરબી શહેરની બાયપાસથી છેક સામાકાંઠાને જોડતા સૌથી મોટા મુખ્યમાર્ગને નવો ડામર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શનાળા બાયપાસથી સામાકાંઠાના નટરાજ ફાટક સુધી છેલ્લા ત્રણ દિવસથી ડામર રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. રૂ. 2 કરોડના ખર્ચે બનનાર આ રોડનું કામ આશરે 10 દિવસમાં પૂરું થઈ જશે અને બીજા ખરાબ રોડનું કામ પણ ટુંક સમયમાં શરૂ કરાશે તેવું માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું.
શનાળા બાયપાસથી નટરાજ ફાટક સુધી ડામર રોડની કામગીરી શરૂ
