અઠવાડિયાની કામગીરીનો અહેવાલ
યાજ્ઞિક રોડ પર ભરાતી ‘રવિવારી બજાર’થી રહેવાસીઓને- રાહદારીઓને કોણ મુક્ત કરાવશે? કોની મીઠી નજર હેઠળ બજાર ભરાઈ છે?
- Advertisement -
શહેરમાં અવારનવાર મનપા દ્વારા શહેરીજનો માટે ફૂટપાથ બનાવવામાં આવે છે. શહેરના મુખ્ય માર્ગો અને શેરી-ગલીઓમાં પણ બ્લોક નાંખી લોકો ત્યાં ચાલી શકે તે હેતુથી ફૂટપાથ બનાવવામાં આવતી હોય છે, પરંતુ મનપાના તંત્ર દ્વારા જેવી નવી કે જૂની ફૂટપાથનું રિનોવેશન પૂર્ણ થયા બાદ અમુક લોકો જાણે કે રાહ જોઈને બેઠા હોય તેમ તુર્ત જ પોતાની લારી રાખી ધંધો શરૂ કરતાં હોય છે. અવારનવાર તંત્ર દ્વારા ફૂટપાથ પેશકદમીઓને દંડ, સૂચના અને કંટાળીને પણ તેમની રેંકડી જપ્ત કરવામાં આવતી હોય છે. છતાં પણ જાણે આ લોકોને ડર ન હોય તેમ ફરીથી ત્યાં બીજા દિવસે રેંકડી રાખીને ધંધો ચાલુ કરે છે.
અમુક વેપારીઓ પણ આવા કૃત્ય કરવામાં બાદ હોતા નથી તેઓ પણ પોતાના પાર્કિંગમાં પણ પોતાની ચીજવસ્તુઓ રાખી દેતા હોય છે ત્યારે શાકભાજીના રેંકડીધારકો પણ રોડ પર ઉભા રહીને જ ધંધો કરતાં હોય છે. સતત ધમધમતા યાજ્ઞિક રોડ પર આવા જ ‘રવિવારી બજારીયા’ઓનો રીતસર મેઈન રોડ પર અડ્ડો જમાવીને રાત્રે 12 વાગ્યા સુધી આજુબાજુના રહીશોને ત્રાસ આપવાનું ચાલુ છે. આજુબાજુના રહીશોને એટલો ત્રાસ છે કે તેમના ઘર સામે જ પોતાની રીક્ષા, રેંકડી, સ્કૂટર પાર્ક કરીને રીતસર ઘરમાલિકને ધમકાવતા હોય છે. આ અહીં જ રહેશે, આ બાબતે અવારનવાર ટ્રાફીક બ્રાન્ચ અને મનપાના જગ્યા રોકાણ શાખાને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ હપ્તાખાઉં તંત્ર દ્વારા કોઈપણ નક્કર પગલાં ભરવામાં આવતાં હોતા નથી ત્યારે હવે આજુબાજુના રહીશો આ બાબતે કોને રજૂઆત કરવા જશે?
- Advertisement -
શહેરના મુખ્ય રાજમાર્ગો પરની ફૂટપાથ કે રોડ પર થતાં દબાણની અવારનવાર શહેરીજનોની રજૂઆત અહીંથી પસાર થતાં નગરસેવકોના ધ્યાને આવતા આ બાબતે ગત તા. 19ના રોજ મેયર પ્રદિપ ડવે પણ રાજમાર્ગો પરની ફૂટપાથ પર કબ્જો જમાવનાર રેંકડીધારકોને દૂર કરવા આદેશ કર્યો છે ત્યારે યાજ્ઞિક રોડ જેવા મુખ્ય માર્ગો પર ભરાતી ‘રવિવારી બજાર’માંથી પણ આજુબાજુના રહેવાસીઓને પણ પદાધિકારીઓ અને અધિકારીઓ રસ લઈને મુક્તિ અપાવે તેવી લોકમાંગ ઉઠી છે. આ ઉપરાંત મુખ્ય માર્ગો પર ચાની હોટલવાળા પણ દબાણ કરીને આજુબાજુના રહીશો તથા દુકાનદારોને નડતરરૂપ થાય તેમ પાણીનો વ્યય કરે છે, વાસણ સાફ કરે છે તથા મુખ્ય માર્ગો પર પાણીની ટાંકી તથા કુલર રાખી રીતસર ત્રાસ દેવામાં આવે છે ત્યારે ચાની હોટલવાળા સામે શું પગલાં ભરવા મેયર આદેશ કરશે કે કેમ?
હાલમાં મેયર પ્રદિપ ડવે કરેલ મુખ્ય માર્ગોની ફૂટપાથ પરથી દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરી માત્ર 29 રેંકડી જપ્ત કરવામાં આવી છે. જ્યારે પરચુરણ ચીજવસ્તુ 30 તથા 1557 કિલો શાકભાજી જપ્ત કરીને યોગ્ય કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહીથી એવું સાબિત થાય છે કે પદાધિકારીઓના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી જાય છે. હવે ભવિષ્યમાં મેયર દ્વારા શું આકરા પગલાં લેવામાં આવશે કે કેમ? અને શહેરીજનોને દબાણકર્તાઓ સામે નક્કર પગલાં ભરી મુક્તિ અપાવશે કે કેમ?