તમે ચિંતા ન કરો બધું ધ્યાનમાં જ છે: CMના જવાબથી નગરસેવકો મૂંઝવણમાં !
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાના 49 સદસ્યો સહી ઝુંબેશ બાદ રાજ્યના મુખ્યમંત્રીને રૂૂબરૂૂ રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ રૂૂબરૂૂ આવેલા 40 સભ્યોને રૂૂબરૂૂ સાંભળી ’તમે ચિંતા ન કરો બધી બાબત મારા ધ્યાનમાં જ છે’ તેવો પ્રત્યુતર આપતા નગરપાલિકાના સભ્યો પણ અસમંજસમાં મુકાયા છે.
મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોનો ભોગ લેવાની ઘટનામાં ઓરેવા કંપની તેમજ પાલિકાતંત્રની ગંભીર બેદરકારી સામે આવી હતી. સરકાર દ્વારા છ-છ લાખનું વળતર ચૂકવી દેવામાં આવ્યું હતું અને જવાબદાર પર કાર્યવાહીના નામે સિક્યુરીટી ગાર્ડ અને ટીકીટ ક્લાર્ક તેમજ ઓરેવાના મેનેજર તથા રીપેરીંગ કરનાર એજન્સીના સંચાલકની ધરપકડ કરી સંતોષ માની લીધો હતો હતો જોકે આ ઘટનામાં હાઇકોર્ટ દ્વારા સુઓમોટો લેવાયા બાદ હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી કડક કાર્યવાહી બાબતે આદેશ આપતા જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવા કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. મોરબી નગરપાલિકા સુપર સીડ થશે તેવો અણસાર આવી જતા પાલિકાના 40 જેટલા કાઉન્સીલર ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા દોડી ગયા હતા અને તેઓ આ દુર્ઘટનામાં ક્યાંય કસુરવાર નથી અને નગરપાલિકામાં નવ મહિનાથી જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું નથી. ઝૂલતો પુલ ઓરેવાને સોંપવા માટે કરાયેલ કરારમાં પણ તેઓની સહી નથી. આ સિવાય નગરપાલિકાના હોદેદારોએ તેમની સહમતી પણ લીધી નથી, તેઓએ કોઈ ભૂલ કરી ન હોય જેથી નગરપાલિકા સુપરસીડ ન કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી હતી.