રક્તની 301 બોટલ એકત્ર થઇ
સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ અંતર્ગત કરાયું આયોજન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના રણજીતગઢ ગામે આવેલ હરિકૃષ્ણધામ ખાતે સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ તથા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 301 જેટલી રક્તની બોટલો એકત્ર થઈ હતી. આ ઉપરાંત ઉત્સવ અંતર્ગત નિ:શુલ્ક દવા વિતરણ સાથે મેગા મેડિકલ કેમ્પ, નેત્રયજ્ઞ કેમ્પ અને બહેરાશ માટેના મશીન અને અંધજનો માટે સ્ટીકનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
હળવદના રણજીતગઢ ગામે આવેલ શ્રીહરિકૃષ્ણધામ ખાતે ગઈકાલે તા. 16 ને શુક્રવારના રોજ સર્વોપરી પંચાબ્દિ મહોત્સવ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ તેમજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં સાધુ-સંતોએ પણ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી. ભક્તિહરિદાસજી સ્વામીના શુભ સાનિધ્યમાં અને તેમની પ્રેરણાથી આ કેમ્પમાં રક્તદાતાઓએ 301 લોહીની બોટલોનું દાન કર્યું હતું જે સંપૂર્ણ હળવદ તાલુકામાં અત્યાર સુધીનું રેકોર્ડબ્રેક રક્તદાન છે. આ કેમ્પ અંતર્ગત રાજકોટ સિવિલમાં 118 રક્તની બોટલો, અમદાવાદ સિવિલમાં 111 રક્તની બોટલો અને મોરબી સંસ્કાર બ્લડ બેન્કમાં 71 જેટલી રક્તની બોટલો આપવામાં આવશે. આ રક્તની બોટલો જેમને લોહીની જરૂરિયાત છે તેવા દર્દીનારાયણ માટે ઉપયોગમાં લેવામાં આવશે અને થેલેસિમિયાગ્રસ્ત બાળકોને નિ:શુલ્ક રીતે આપવામાં આવશે. પંચદિનાત્મક આ મહોત્સવમાં સર્વરોગ નિદાન મેગા કેમ્પ (નિ:શુલ્ક દવા વિતરણ સાથે), બહેરાશ માટેના મશીનોનું વિતરણ, સુરદાસ માટે સ્ટિકનું વિતરણ તથા વિનામૂલ્યે મોતિયાનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા સંતોના માર્ગદર્શન હેઠળ સેવાભાવી સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.