ઉદય કાનગડને હરાવવા કેટલીક ચોક્કસ જ્ઞાતિનાં અગ્રણીઓએ જ્ઞાતિજનોને છુપા સંદેશાઓ પાઠવી દીધાં છે: અહીં એ જ્ઞાતિનાં લોકો ફતવો માનવાનાં નથી પણ આવા ફતવાનાં કારણે ઈત્તર જ્ઞાતિ એકત્ર થઈને ભાજપને ઢગલામોઢે મત આપવાની છે: આમ, આવા ફતવાઓ બૂમરેન્ગ થવાની પૂરેપૂરી શક્યતા છે.
વિધાનસભા ચૂંટણી-2022માં મેં કોઈ ચોક્કસ ઉમેદવારની તરફેણમાં કશું જ લખ્યું નથી. લખવું પણ ન હતું. ‘ખાસ-ખબર’ દ્વારા અમે અમારું સ્ટેન્ડ ક્લીયર કર્યું જ છે. ‘ખાસ-ખબર’ કોઈ તટસ્થ અખબાર નથી, એ ભયંકર હદે બાયસ્ડ છે, ભાજપ તરફ અમને સોફ્ટ કોર્નર છે અને નરેન્દ્ર મોદી અમારા જીવતા-જાગતા, હરતા-ફરતા શૂરાપૂરા છે. આવું કહેવામાં અમને કોઈ જ શરમ નથી. એટલે જ ભાજપ પર કોઈ જ્ઞાતિવાદનાં જોરે કે પૈસાનાં પાવરથી પ્રહાર કરતું હોય ત્યારે આવા તત્ત્વોની કાર્ટિસ અને ભાજપની વચ્ચે અમે ખુલ્લી છાતીએ ગોળી ઝીલવા ઉભા હોઈએ છીએ. કારણ કે અમે સૌથી ન્યૂટ્રલ છીએ. ‘બધાં રાજકારણીઓ સરખાં જ હોય, બધાં રૂપિયા બનાવવા જ આવે છે, પત્રકારે હંમેશા તટસ્થ રહેવું જોઈએ…’ એવી કોઈ જ બાલીશ ફિલોસોફીમાં હું કે અમારું અખબાર માનતાં નથી.
- Advertisement -
તટસ્થતા-ન્યૂટ્રાલિટી એને કહેવાય જે સંજયદૃષ્ટિ ધરાવનારને દૂરંદેશ કહેતો હોય અને કાણિયાને કાણિયો કહી જાણે. હું એટલું જ વિચારું છું કે, આપણાં દેશ માટે શાસક તરીકે કોણ સર્વશ્રેષ્ઠ છે, ગુજરાત માટે કઈ પાર્ટીનું શાસન દરેક દૃષ્ટિએ લાભકારક છે. આવા સ્ટેન્ડને કારણે ઘણી વખત લોકોની પ્રશંસા સાંભળવા પણ મળે છે, અનેક વખત લોકો કહે છે… ‘અરરર… પત્રકારોએ કોઈ એક પક્ષની તરફેણ થોડી કરવાની હોય?’ તટસ્થ રહેવું એટલે શું? શું એમ કહેવાનું કે, દાઉદ ઈબ્રાહીમનો પણ થોડો વાંક છે, મુંબઈ બ્લાસ્ટમાં મરનારનો પણ થોડો વાંક ગણાય!’ અથવા તો ‘થોડો વાંક ભારતનો છે, થોડો પાકિસ્તાનનો…’ પ્લીઝ, આ બકવાસ બંધ કરો, જ્ઞાનની કે તત્ત્વજ્ઞાનની જરા પણ જરૂર નથી, જરૂર હશે ત્યારે પૂછી લઈશું, નિ:શૂલ્ક સેવા આપવાનું કષ્ટ કોઈએ ન ઉઠાવવું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું મતદાન સાવ નજીક છે. કહેવાય છે કે, કેટલીક જ્ઞાતિનાં અગ્રણીઓનાં લાકડિયા તાર ફરવા માંડ્યા છે કે, ‘પાર્ટી કોઈપણ હોય- આપણી જ્ઞાતિના ઉમેદવારને જ મત આપવાનો છે!’ કહેવાય છે કે, ખોડલધામના નરેશ પટેલે પણ આવા મેસેજ વહેતાં કર્યા છે. એ વાત સૌએ સ્વીકારવી રહી કે, નરેશ પટેલની ન્યૂસન્સ વેલ્યૂ ગજબનાક છે. આવી સ્થિતિમાં તેમના ફતવાને કારણે વધુ એક વખત ચર્ચા જાગી છે. સવાલ એ છે કે શું ફરી 2017ની જેમ મતોનું પોલરાઈઝેશન થશે? ઉદાહરણ તરીકે જોઈએ તો, રાજકોટ વિધાનસભા- 68 પર ભાજપમાંથી લડી રહેલાં ઉદય કાનગડને હરાવવા કેટલીક ચોક્કસ જ્ઞાતિનાં અગ્રણીઓએ જ્ઞાતિજનોને છુપા સંદેશાઓ પાઠવી દીધાં છે. અહીં એ જ્ઞાતિનાં લોકો ફતવો માનવાનાં નથી પણ આવા ફતવાનાં કારણે ઈત્તર જ્ઞાતિ એકત્ર થઈને ભાજપને ઢગલામોઢે મત આપવાની છે. આમ, આવા ફતવાઓ બૂમરેન્ગ થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં ભાજપને મેરિટ પર હરાવવાનું આસાન નથી. આવું જાણી ગયેલાં લોકો નિતનવા કાવતરાં રચી રહ્યા છે, ક્યાંક જ્ઞાતિનાં નામે તો ક્યાંક ધર્મનાં નામે. વિધાનસભા-70માં ભાજપનાં ઉમેદવારને હરાવવા એક કહેવાતો મહંત જ્ઞાતિવાદ ભડકાવી રહ્યો છે. આ ક્રિમિનલ માઈન્ડેડ, ગૂંડા ગાદીપતિને ધર્મ સાથે સ્નાનસૂતકનો નાતો નથી. પરંતુ દરેક ચૂંટણી વખતે એ ભોણમાંથી બહાર નીકળે છે અને ટિકિટ માંગે છે. વાસ્તવમાં તેની ઔકાત એસ.ટી. બસની ટિકિટ મેળવવા જેટલી પણ નથી. હવે એ વિશ્ર્વકર્મા સમાજ અને ઓ.બી.સી.ને ઉશ્કેરી રહ્યો છે.
આવા અનિષ્ટોથી ચેતવા જેવું છે. કેટલાંક લોકો કહે છે કે, પાર્ટી ગમ્મે તે હોય- તમે ઉમેદવારની જ્ઞાતિ જોજો. હું કહું છું: જ્ઞાતિ ગમ્મે તે હોય- તમે ઉમેદવારની પાર્ટી જોજો. અને પાર્ટી એટલે ભાજપ. કોઈ શક?
- Advertisement -
વિધાનસભા-70માં ભાજપનાં ઉમેદવારને હરાવવા એક કહેવાતો મહંત જ્ઞાતિવાદ ભડકાવી રહ્યો છે: આ ક્રિમિનલ માઈન્ડેડ, ગૂંડા ગાદીપતિને ધર્મ સાથે સ્નાનસૂતકનો નાતો નથી: પરંતુ દરેક ચૂંટણી વખતે એ ભોણમાંથી બહાર નીકળે છે અને ટિકિટ માંગે છે: વાસ્તવમાં તેની ઔકાત એસ.ટી. બસની ટિકિટ મેળવવા જેટલી પણ નથી: હવે એ વિશ્ર્વકર્મા સમાજ અને ઓ.બી.સી.ને ઉશ્કેરી રહ્યો છે