ફેસબૂક લાઈવ દ્વારા નાના માણસની લાઈફ, લિબર્ટી અને ડિગ્નીટી જોખમમાં તો નથી મૂકાઈ રહી ને?
– ભવ્ય રાવલ
શ્રીમતિ જલ્પાબેન પટેલ..
તમારી સેવાકીય પ્રવૃત્તિને મારા જાજેરા સલામ.. સાથે ખાસ ખબરનાં માઘ્યમથી એક નાનકડી પ્રાર્થના..
દાન, પ્રાર્થના અને ઉપવાસ ઉત્તમ ધર્મકાર્યો છે. આધ્યાત્મિક પ્રગતિનાં સાધનો છે. છેલ્લા કેટલાંક મહિના અથવા તો કદાચ છેલ્લા કેટલાંક વર્ષોથી આપ પણ દાન, પ્રાર્થના અને ઉપવાસનાં ઉત્તમ ધર્મકાર્યો કરી રહ્યા છો અને આધ્યાતિમ પ્રગતિનાં સાધનો દ્વારા ઈશ્વરની નજીક છો એવું તમારું ફેસબૂક એકાઉન્ટ જોતા જણાય રહ્યું છે. તમે 8 વર્ષમાં 500 લોકોને જરૂરિયાત મુજબ સેવા અને મદદ કરી છે. એટલું જ નહીં, પોતાની આવકના 10 ટકા રકમ આ સેવામાં ખર્ચી નાખો છો જે જાણી ખૂબ જ આનંદ થયો. આપણે ત્યાં તમારા જેવા ગાંઠનું ગોપીચંદન ઘસી સેવાની સુવાસ પ્રસરાવતા સેવાભાવી લોકો ગણ્યાગાંઠ્યા જ છે એવું મારી જાણમાં આવી રહ્યું છે! તમારી સેવાકીય પ્રવૃત્તિને સત..સત.. વંદન..નમન..
- Advertisement -
હાલમાં જ તમે બે ભાઈ – એક બહેન મળી કુલ ત્રણ લોકોને તેમના જ ઘરમાંથી કાઢી નવડાવ્યા-ધોવડાવ્યા, બાલ-દાઢી કરાવ્યા, કપડા પહેરાવ્યા, જમાડ્યા. ઉત્તમ સારવારની વ્યવસ્થા સાથે ભેટ-સૌગાદ દીધી. વગેરે વગેરે.. આ પ્રશંસનીય કાર્યોની બધી જ જાણ તમારા ફેસબૂક એકાઉન્ટ પરથી ઘણાને થઈ છે. આ અકલ્પનિય કાર્ય કરવા બદલ તમે પ્રશંસાનાં ખરા હક્કદાર પણ છો જ. તમે ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. અલબત્ત માત્ર આ ત્રણ ભાઈઓ-બહેનો જ નહીં આપશ્રી તો ઘણા બધા દિનદુઃખિયાઓ.. જેઓ રસ્તે રખડે-ભટકે છે તેમને ભોજન, વસ્ત્ર સહિતની ઘણીબધી સુવિધાઓ પૂરી પાડી અનેકવિધ સેવામય પ્રવૃત્તિઓમાં મગ્ન છો એ પણ આપશ્રીનાં ફેસબૂક એકાઉન્ટ પરથી જાણવા મળ્યું. હમણાંથી તો એવી પરિસ્થિતિ છે કે, આજકાલ તમારી સેવાકીય પ્રવૃત્તિઓનાં ફેસબૂક લાઈવથી ઘણા લોકો વિચલિત છે. જાતભાતની ચર્ચાઓ થઈ રહી છે કે, ભારત તો ગરીબ દેશ છે જ એ ગરીબ દેશનું સૌથી ગરીબ શહેર રાજકોટ છે. અને રાજકોટનાં ગરીબો, દુ:ખિયાઓનાં બેલી આપ એકમાત્ર છો. આપશ્રીની પ્રવૃત્તિ જોતા રાજકીય પક્ષો તમને આગામી ચૂંટણીમાં ટિકિટ પણ આપી શકે છે એવી લીકચર્ચા છે. તમને લોકો તો રાજકોટનાં મધર ટેરેસા કહી જ રહ્યા છે. સૌનાં મત અનુસાર, મારા મત મુજબ પણ, આપ મધર ટેરેસા બનવાની પૂર્ણ લાયકાત ધરાવો છો પરંતુ મધર ટેરેસા બનવામાં કેટલીક ખામીઓ જણાય રહી છે. મધર ટેરેસાએ ક્યારેય અપ્રત્યક્ષ રીતે પણ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ જગજાહેર કરી ન હતી કે થવા દીધી ન હતી. બંધ મુઠ્ઠી જ લાખની હોય છે, ખુલી જાય તો રાખની થઈ જાય છે. આપ સામાજિક સેવિકા છો અને વ્યવસાયિક પણ.. સમાજસેવા અને વ્યવસાય બંને અલગ-અલગ પ્રવૃતિઓ છે. સમજસેવાનાં પુણ્યશાળી કાર્યોમાં ફેસબૂક લાઈવનો પ્રચાર ઘણાબધાને અયોગ્ય લાગી રહ્યો છે.
આપણે ત્યાં કહેવાય છે કે, જમણા હાથે કરેલા દાનની જાણ ડાબા હાથને પણ થવા ન દેશો. બીજાઓ તો શું તમારા ડાબા હાથને પણ ખબર પડવા ન દ્યો કે જમણા હાથમાં દાન છે. સામે કોઈ પીડિત, નિરાધાર કે નિર્ધન માણા હોય.. એની ભીડ ભાંગવા, એનું પેટ ભરવા કે મદદ કરવા હાથથી હાથ મળે.. જમણા હાથથી કરેલું એકનું દાન બીજાનાં હાથમાં આવે અને ડાબા હાથને જાણ સુદ્ધા ન થાય. એ જરૂરિયાતવાળો માણસ પણ એટલું જ જાણે કે કોઈ સજ્જને મારો હાથ ઝીલ્યો છે, મારા હાથમાં કઈ મૂક્યું છે. એ લેનાર માણસ દેનાર માણસનો આભાર માનવા જાય અને ત્યાં તો એ દેનાર ત્યાંથી નીકળી જાય. કોઈ ફેસબૂક લાઈવ નહીં, કોઈ પ્રેસનોટ કે મીડિયા કવરેજ નહીં. કોઈ ફોટોશૂટ નહીં. આપણે ત્યાં રામ ભરોસે અમથું નથી કહેવાયું. અને આપણા સેવાકીય કાર્યોની જાણ હરકોઈ કરતા માત્ર હરિને જ હરે તેનો હરખ જુદો છે. એ જ સાચી સેવા, એ જ ખરું દાન છે. કદાચ તમારા ફેસબૂક લાઈવ પાછળ આ સેવા અને દાન ઢંકાઈ માત્ર તમારી જ વાહવાહ થઈ રહી છે એવું મારા સહિત ઘણાને લાગી રહ્યું છે. તમારા ફેસબૂક લાઈવ પાછળનો હેતુ પરોપકાર કરતા-કરતા ‘પ્રસિદ્ધિ’ કરી લેવાનો હોય એવું ઘણા બધા કહી રહ્યાં છે! જે કેટલાંક અંશે ખરું પણ લાગી રહ્યું છે. રાજકોટમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ આ પ્રકારની પ્રવૃત્તિ દાયકાઓથી કરે છે પણ ફેસબૂક લાઈવનો પ્રચાર મેં જોયો કે મારા ધ્યાનમાં આવ્યો નથી. હાલ તો તમારા ફેસબૂક લાઈવનાં માધ્યમથી લોકો બસ એટલું જ જોઈ-સમજી રહ્યાં છે કે, રાજકોટમાં સોસાયટીમાં નથી એટલા રસ્તામાં અને રસ્તામાં નથી એટલા શેરીએ શેરીએ ભૂખ્યા, તરસ્યા, લાચાર, બેઘર, નિરાધાર લોકો રખડી-જીવી-મરી રહ્યા છે. અને તમારું ગ્રુપ એકમાત્ર સાચી સેવા કરી આ બધાનું ‘સાથી’ છે.

મને તમારો કોઈ વ્યક્તિગત પરિચય નથી, તમારી સાથે કોઈ રાગ, દ્રેષ નથી. હા, તમારા વિશે થોડુંઘણું જાણી, તમારી પ્રવૃતિઓ ફેસબૂક લાઈવમાં સગી આખી જોઈ તમારા માટે માન-સન્માન અને આદર ધરાવું છું. તમારી સેવાકીય પ્રવૃત્તિઓથી મને કોઈ વાંધો નથી. મને તો શું કોઈને પણ વાંધો હોવો ન જોઈએ. તમારી સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ સારી અને જરૂરી છે. બેશક કરો. હું પણ મદદરૂપ થવા, તમારા ગ્રુપમાં જોડાવવા ઈચ્છુ છું. પરંતુ આ ફેસબૂક લાઈવ પર તમારી સેવાકીય પ્રવૃત્તિઓ દર્શાવવાનું બંધ કરો તો તમારી સેવાકીય પ્રવૃત્તિઓની સુગંધમાં સોનું ભળશે એવું મારા સહિત ઘણા લોકોનો મંતવ્ય છે. જમાનો સોશિયલ મીડિયાનો છે, જાહેર જીવનમાં સોશિયલ મીડિયા ઘણું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે આમ છતાં તમારી રોજેરોજની સેવાકીય પ્રવૃત્તિઓનાં ફેસબૂક લાઈવનું અંતે પારવાર નુકસાન ન માત્ર તમને જ પણ એ સહાય લેનાર – પીડિત વ્યક્તિને પણ થઈ શકે છે એવું સ્પષ્ટપણે મારું માનવું છે. શું તમારી સેવાકીય પ્રવૃત્તિઓનું ફેસબૂક લાઈવ થવું જરૂરી છે? જો સ્વતંત્રતા અને બંધારણનાં અધિકારની વાત કરવામાં આવે તો તમે ક્યાંક તમારી સેવાકીય પ્રવૃતિઓને ફેસબૂક લાઈવનાં માધ્યમથી જગજાહેર કરી કોઈ નાના માણસની લાઈફ, લિબર્ટી અને ડિગ્નીટીને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને? અર્ધનગ્નવસ્થામાં રહેલા લોકોનાં દ્રશ્યો, તેમનો ભાષાકીય અવિવેક, તેમને તમાકુ ખાવાની સલાહ વગેરે.. વગેરે.. હજારો લોકો જોઈ રહ્યા છે. ભવિષ્યમાં તેઓ પણ કે તેમના લાગતા-વળગતા પણ જોઈ શકે. તમારા પ્રયાસોથી આજનો ભાવેશ, અમરીશ કે મેઘના જ્યારે ભવિષ્યમાં સંપૂર્ણ સ્વસ્થ-મસ્ત થઈ જશે, ફરીથી સામાન્ય જીવન જીવવા લાગશે ત્યારે તમારા જ ફેસબૂકનાં વીડિયો તેને કોઈ બતાવી ફરી એ જ દશામાં સાંપડી તો નહીં દે ને? તેમના પાડોશીથી લઈ પરિવારને નીચું જોવા જેવું તો નથી થઈ રહ્યું ને? આ અને આવા તો કેટલાય પ્રશ્નો અને લોકો છે.. એક માજીનાં તમે વાળ કાપ્યા. માજીની ઊંચાઈ કરતા વાળની લંબાઈ વધુ હતી. એ વાળ કાપવા જરૂરી હતા, સહેમત.. પણ એનું ફેસબૂક લાઈવ કેટલું જરૂરી હતું? એમાં થતી કોમેન્ટ્સ કેટલી વ્યાજબી હતી? મારા અને મારા જેવા ઘણા લોકોને આ બધામાં કશું ખૂંચી અને ખૂટી રહ્યું છે.
- Advertisement -
હું એક લેખક-પત્રકાર છું. જેમ આપ સ્વૈચ્છિક રીતે સમાજની સેવા કરો છો તેમ સમાજની સેવા કરવાનું કર્તવ્ય મારું પણ છે. વધીને વાત કરું તો સમાજને આયનો દર્શાવવાનો મને પરવાનો મળેલો છે, મારો અધિકાર છે. અમારા લેખક-પત્રકારોની નૈતિક ફરજ છે કે, કોઈ વ્યક્તિ સારું કરે તો તેમને બિરદાવવા, કોઈ વ્યક્તિ ફરજચૂક થાય કે અજાણતા ભૂલ કરે તો તેમને સવિનય રજૂઆત કરવી. આપ ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યાં છો એ માટે ખૂબ ખૂબ અભિનંદન પરંતુ આપ ફેસબૂક લાઈવમાં કોઈ રસ્તે રખડતી-ભટકતી કે લાચાર-પીડિત વ્યક્તિને ન દર્શાવશો તો તમારો આભાર.. આપ અને આપ સાથે જોડાયેલા તમામ લોકોનાં સેવાયજ્ઞને વધુને વધુ પવિત્ર-પુણ્યશાળી બનાવવા મારી ઉપરોક્ત પ્રાર્થના ધ્યાનમાં લેશો અને એનો અમલ કરશો એ માટે આગોતરો આભાર.. સાથોસાથ મારી આ પ્રાર્થનાથી દુઃખ પહોચે તો ક્ષમાયાચના.. જે કોઈ જોઈ શકતું કે સમજી શકતું નથી એ સમાજની વરવી વાસ્તવિકતાથી રૂબરૂ થઈ તમે જે ઉમદા કાર્ય કરી રહ્યા છો એ બદલ શુભેચ્છાઓ.. જય સંત દેવીદાસ.. અમર દેવીદાસ..
મૂકસેવક બની રહેવામાં મજા છે
રાજકોટમાં અઢળક એવી સેવાભાવી સંસ્થાઓ છે અને શહેરમાં એવા અસંખ્ય સમાજસેવકો છે જે દિવસ-રાત સેવાકીય કાર્યો કરે છે. કોઈ માનવજાત માટે તો કોઈ પશુ-પ્રાણીજગત માટે જાતભાતની નિ:સ્વાર્થ પ્રવૃત્તિઓ કરે છે. ના કોઈ પબ્લિસિટી સ્ટંટ કે ન કોઈ પુણ્ય કમાઈ લેવાની આશા-અપેક્ષા. કોઈ ભૂખ્યાને અન્ન, કોઈ નગ્નને વસ્ત્રો, કોઈ બેઘરને આશરો, કોઈ મેલઘેલાને નવડાવે, કોઈ બાલ-દાઢી કરી આપે, કોઈ દવા તો કોઈ સારવારની કે આર્થિક સહાય કરે તો કોઈ મૂંગા અબોલ પશુઓને ઘાસચારો, ગાય-કૂતરાને દૂધ-રોટલી, પક્ષીઓને ચણ નાખે છે. ક્યારેય કોઈ જાતનાં પ્રચાર વિના, પ્રસિદ્ધિ વિના નિરંતર સમાજસેવા કરતા આ સમાજસેવકોને પૂછીએ કે તમે આટલું સારું કાર્યો કરો છો તો તમારી સ્ટોરી કરીએ? ખબર છાપીએ? ત્યા રે તમામ લોકો એક જ વાત કરે છે – મૂકસેવક બની રહેવામાં મજા છે. મનગમતી અને બીજાને ઉપયોગી થતી પ્રવૃત્તિ કરીએ છીએ એ ઘણું છે. અમારું છપાઈ કે વાહવાહ થાય તેમા નહીં, કોઈનું ભલું થાય એમા જ અમને રસ મળે છે. અમારે કશું જોઈતું નથી, બસ.. બીજાને આપવું છે અને અમો એમા જ રાજી છીએ.
કોઈનું સારું કરવા જતાં ક્યાંક ખાટું ન થઈ જાય એનું વિશેષ ધ્યાન રાખવું પડે
સમયનો માર, સંજોગનો શિકાર, સમાજની માન્યતા, ધાર્મિક અંધશ્રદ્ધા અને સામાજિક અન્યાયનો ભોગ બનેલા બેબસ લોકોની અંગત પળો, વ્યક્તિગત દિનચર્યાને ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં એમની ગરિમા કે આત્મસન્માનને ઠેસ પહુચે કે તેમની લાગતી-વળગતી વ્યક્તિઓને દુઃખ થાય એવું હરગિજ ન કરવું જોઈએ. દેશનો કાયદો અને બંધારણમાં કહેલી બાબતો તો ઠીક છે પરંતુ સામાન્ય જ્ઞાનની વાત છે કે, કોઈપણ વ્યક્તિની કપરી પરિસ્થિતિ કે પીડિતની વ્યક્તિગત જિંદગીને જાહેર માધ્યમોમાં સીધેસીધી પ્રદર્શિત ન કરવી. કોઈનું ભલું કરવું ખૂબ સારી બાબત છે પરંતુ કોઈનું સારું કરવામાં ક્યાંક ખાટું ન થઈ જાય એ પણ જોવું પડે. આજે જે ભાઈઓ-બહેનનો કિસ્સો ટોલ્ક ઓફ ધી ટાઉન બન્યો છે, માતબર મીડિયાઓ જેની નોંધ લઈ રહ્યા છે એમાં એક પરિવાર અને પીડિત વ્યક્તિઓનાં વ્યક્તિગત જીવનનાં જાહેરમાં ધજાગરા ઉડી ગયા છે.


