ખાસ-ખબર સંવાદદાતા
શહેરના આઝાદ ચોક ખાતે શરૂ થયેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની જેમ હવે ભવનાથમાં પણ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે શરૂ કરી તેનું સંચાલન કોઇ એનજીઓને સોંપવું જોઇએ તેવી માંગ ઉઠી રહી છે. ખાસ કરીને ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળા તેમજ લીલી પરિક્રમામાં મોટાપાયે પ્લાસ્ટિક આવે છે. ત્યારે ભવનાથમાં પ્લાસ્ટિક કાફે શરૂ થાય તો પ્લાસ્ટિક ત્યાં જ સોંપી શકાય. દરમિયાન થોડા સમય પહેલા યોજાયેલ ગિરનારની લીલી પરિક્રમામાં પણ પ્લાસ્ટિકનું પ્રદૂષણ જોવા મળ્યું હતું. અનેક સંસ્થા દ્વારા પ્લાસ્ટિકને જંગલમાં જતું રોકવા પ્રયાસ કરાયા હતા. છત્તાં લોકો પ્લાસ્ટિક લઇને ગયા હતા. ત્યારે લીલી પરિક્રમા દરમિયાન થયેલ પ્લાસ્ટિકના કચરાથી જંગલ- પર્યાવરણને થતું નુકસાન અટકાવવા રવિવારના રોજ વસુંધરા નેચર ક્લબ દ્વારા પરિક્રમા રૂટ પર પ્લાસ્ટિક સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. આ અંગે વસુંઘરા નેચર ક્લબના પ્રણવભાઇ વઘાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનમાં 25 જેટલાં સ્વયંસેવકોએ જોડાઇને 40 બોરા- અંદાજે 350 કિલો પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું. એકત્ર કરેલા પ્લાસ્ટિકમાંથી 200 કિલો પ્લાસ્ટિક પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં આપવામાં આવ્યું હતું.આ એક એવો કાફે છે જેમાં પ્લાસ્ટિકના બદલામાં તમને શરબત,પૌવા કે ઢોકળા ઓફર કરવામાં આવે છે. બિન જરૂરી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે, પ્લાસ્ટિકનો રિયુઝ થાય તેમજ પ્લાસ્ટિક પ્રદુષણ વિશે લોકો જાગૃત થાય એ હેતુથી જૂનાગઢ કલેક્ટર રચિત રાજે દેશમાં સૌપ્રથમ જૂનાગઢમાં આ પ્રકારના કાફેની શરૂઆત કરી છે. આ કાફેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કર્યું હતું. ત્યારે હવે ભવનાથમાં પણ આવું કાફે શરૂ કરવું સમયની માંગ છે.
જૂનાગઢ ભવનાથમાં પ્લાસ્ટિક કાફે શરૂ કરવા માંગ



